કળસાર મહિલા મંડળોનું સન્માન

રોજગારી સાથે આર્થિક રીતે સ્વતંત્ર થતી મહિલા એ જ ખરી સ્વતંત્ર મહિલા

કળસાર ખાતે ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિર્ગુડેની ઉપસ્થિતિમાં મહિલા મંડળોનું સન્માન

ઈશ્વરિયા ગુરુ વાર તા.10-3-2022

ત્રિવેણી કલ્યાણ સંસ્થા કળસાર ખાતે વિશ્વ મહિલા દિવસ અનુસંધાને બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલા મંડળોનું સન્માન કરાયું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિર્ગુડેએ કહ્યું કે, રોજગારી સાથે આર્થિક રીતે સ્વતંત્ર થતી મહિલા એ જ ખરી સ્વતંત્ર મહિલા છે.

ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામનિર્માણ સમાજ પ્રેરિત મહિલા મંડળ આયોજિત વિશ્વ મહિલા દિવસ અનુસંધાને ' પૂર્વગ્રહ તોડો માનસિકતા બદલો અને આગળ વધો' તે મૂલ્ય સાથે બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે અહીં બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ તથા મંડળોનું સન્માન કરાયું છે.

આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં રહેલ ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિર્ગુડેએ પીડીલાઈટ ઉદ્યોગના ગ્રામ વિકાસ અભિગમ સાથે આ વિસ્તારમાં થતી પ્રવૃત્તિને બિરદાવી અને કહ્યું કે, રોજગારી સાથે આર્થિક રીતે  સ્વતંત્ર થતી મહિલા એ જ ખરી સ્વતંત્ર મહિલા છે, જે અહીંયા થઈ રહ્યાની ખુશી છે.

ત્રિવેણી કલ્યાણ સંસ્થા કળસાર ખાતે આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોયે પીડીલાઈટ સંસ્થાના સહયોગને બિરદાવી કહ્યું કે મહિલાઓ પાસે આવતા પૈસામાં બચતનું વધુ સ્થાન હોય છે, જે પરિવારને સધ્ધર બનાવે છે.

આ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ કળસરિયા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી શ્રી પંકજભાઈ રૂપારેલ સાથે શ્રી રીટાબેન વોરાએ મહિલાઓ અને વિકાસ પ્રવૃત્તિ બાબતે પ્રાસંગિક વાતો કરી હતી.

પીડીલાઈટ ઉદ્યોગ દ્વારા ગ્રામવિકાસ સંબંધે શ્રી પંકજભાઈ શુકલે વિગતો આપી હતી. મહુવા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી તેમજ સંબંધિત કચેરીના કર્મચારીઓ જોડાયા હતા.

મહિલા દિવસ ઉજવણી સાથે અહીંયા મહિલા ગૃહ ઉદ્યોગ એકમ મંડળોના ઉત્પાદનોનું વેચાણ પ્રદર્શન મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ સાથે જ તબીબી શિબિરનો લાભ આ વિસ્તારના દર્દીઓને મળ્યો હતો.

સ્વાગત ઉદબોધન શ્રી અજિતભાઈ જાદવ તથા આભાર વિધિ શ્રી કાનાભાઈ ભમ્મરે કરી હતી. અહીં કાર્યક્રમ સંચાલન શ્રી સુરભીબેન ગોસ્વામીએ કરેલ.

આ કાર્યક્રમમાં શ્રી પ્રિયંકાબેન સરવૈયા, શ્રી હર્ષાબેન બારૈયા, શ્રી સંગીતાબેન પટેલ, શ્રી વસનબેન ભાલિયા, શ્રી કુંવરબેન બારૈયા, શ્રી હિનાબેન સરવૈયા, શ્રી સંગીતાબેન ગોસ્વામી, શ્રી મુસ્તુફા મેઘરાજ્ય, શ્રી ભવિકાબેન પટેલ તથા શ્રી સમજુબેન મકવાણા દ્વારા વિવિધ ઉદબોધન અનુભવો તથા પ્રાસંગિક રજૂ થયેલ.