ભાવનગર હોસ્પિટલ : ચિત્રો દોર્યા

ભાવનગર : આખું વિશ્વ જેનાથી ડરે છે એને અમે હસીને હરાવ્યો, અમે ચિત્રો દોર્યા, આનંદ કર્યો અને ઘરે આવ્યા

હોસ્પિટલનું વાતાવરણ અને ત્યાંનો સ્ટાફ એટલો પ્રેમાળ છે કે એણે અમારો ડર દૂર કરી અમને નવી ઉર્જા આપી

ભાવનગર

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોને રજા આપવામાં આવી. જેમાં ૧૮ વર્ષીય જોડકાં ભાઈઓ આગમ અને આનંદ વોરા તેમજ ૧૩ વર્ષિય બહેન આંગી વોરાનો સમાવેશ થાય છે.

ડિસ્ચાર્જ બાદ ટેલિફોનિક વાતચીત કરતા આગમ વોરા જણાવે છે કે હોસ્પિટલનું વાતાવરણ ખુબ જ હળવુંફૂલ છે અને ત્યાંના ડોક્ટર્સ, નર્સ અને તમામ સ્ટાફ પણ ખૂબ જ પ્રેમાળ અને અંગત રસ લઈ કાળજી લેનારો છે. એક ક્ષણ માટે પણ અમને હોસ્પિટલના સ્ટાફે ઘરની યાદ નથી આવવા દીધી. તેઓ સતત અમારી નાનામાં નાની જરૂરિયાત વિશે પૂછતા રહેતા. અહીં અમને ખૂબ જ સારી ગુણવત્તાનું કહી શકાય તેવું ત્રણ ટાઇમ ભોજન અને બે ટાઈમ દૂધ આપવામાં આવતું. આખા દિવસમાં ત્રણ-ચાર વખત ડોક્ટર અમારી આરોગ્ય ચકાસણી કરતા અને હસતા મુખે અમને હિંમત આપતા ત્યારે લાગતું કે આ કોરોનાથી ડરવા જેવું કશું છે જ નહીં. હોસ્પિટલમાં સાફ-સફાઈની પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે. અહીંની સ્વચ્છતા કોઈ હોટલ કે મોલને પણ ઝાંખી પાડી દે એવી છે. હોસ્પિટલમા સ્ટાફના હસતા ચહેરાઓ અમને કાયમ યાદ રહેશે. હોસ્પિટલમાં અમે ખૂબ ગમ્મત કરી. ત્યાં અમે રાષ્ટ્રધ્વજ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, આઇસોલેશન વોર્ડ, હમ હોગે કામયાબ વગેરેના ચિત્ર બનાવ્યા, આનંદ-કિલ્લોલ કર્યા, હસ્યા અને હસતા મુખે ઘરે આવ્યા.

કોરોના અંગે પૂછતા આગમ જણાવે છે કે કોરોનાથી ગભરાવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી. એ કોઈ ગંભીર રોગ નથી. બસ જરૂરી છે તો માત્ર સાવચેતીની. માસ્ક પહેરો, સેનીટાઈઝરનો ઉપયોગ કરો, વારંવાર હાથ ધુઓ, ગરમ પાણી પીઓ, હળદર વાળું દૂધ પીઓ, આયુર્વેદિક ઉકાળો પીઓ અને જરૂર વગર બહાર ન નિકળો. જો સાવચેતી રાખશો તો આ રોગ તમારી નજીક પણ નહિ આવે અને જો કદાચ કોરોના થઈ જાય તો પણ ગભરાશો નહીં. ભાવનગર મેડિકલ ટીમ એટલી સક્ષમ અને સફળ છે કે એ તમને આ રોગમાથી ઉગારી લેશે.