યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલનાં હસ્તે
ભાવનગર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં નવનિર્મિત થયેલ ભવનનું લોકાર્પણ
ભાવનગર
સમગ્ર વિશ્વમાં 3જી ડીસેમ્બર વર્ષ 1992થી વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી પૂર્વે સ્થપાયેલી ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં રૂપિયા સવા કરોડનાં ખર્ચે નવનિર્મિત થયેલ ભવનનું તા.03/12/2020 ગુરુવારનાં રાજવી પરિવારનાં યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દીપપ્રાગટ્ય કરી નવી દૃષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું.
વર્ષ 2012થી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા જુદાજુદા શીર્ષક તળે આ પ્રકારનાં વિશિષ્ટ પ્રદર્શનોનું આયોજન કરે છે. કોવીડકાળમાં 2020માં યોજાયેલ 9માં વીશીષ્ટ પ્રદર્શનની વિશેષતા ઓનલાઈન હોવાથી તેને લાખો લોકો નિહાળી શક્યા તે હતી.
પ્રજ્ઞાચક્ષુઓનું શિક્ષણ, કોમ્પ્યુટર અને ટેકનોલોજીનાં સાધનો પર કામ કરતા નેત્રહીનો, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ અંતર્ગત અપાતી વિવિધ તાલીમ, રસોઈની રંગત હોમસાયન્સની પ્રવૃતિઓ, ઇન્ડોર અને આઉટડોર રમતો, ગૃહ ઉદ્યોગની બનાવટ અને સંગીત આ પ્રદર્શનનાં આકર્ષણ રહ્યા હતા. બ્રેઇલ પ્રેસ, ઓડિયો અને બ્રેઇલ પુસ્તકાલય, ફિઝીયોથેરાપી સેન્ટર જેવી પ્રવૃતીઓએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં જયવિરરાજસિંહજીએ અભિભૂત થઇ પોતાના વક્તવ્યમાંજણાવ્યું હતું કે સંસ્થા સાથે સમગ્ર રાજ પરિવાર ખડા પગે રહી સંસ્થાના કાર્યમાં સેવા બજાવવા તત્પર રહેશે. શ્રી કેપ્ટન અરુણકાન્ત મિશ્રાએ સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી શશીભાઇ વાધરે કર્યું હતું. નવનિર્મિત ભવનનો ચિતાર કિર્તીભાઈ શાહે આપ્યો હતો.
અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ પ્રજ્ઞાચક્ષુઓની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા હાથ ધરેલ કાર્યક્રમોની વિગતો આપી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સંસ્થાના નવતર પ્રયાસો દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરી ટેકનોલોજીનાં ઉપકરણો દ્વારા સામાન્ય વ્યક્તિ જેવા કૌશલ્યો વિકસાવવામાં આવશે અને તે દ્વારા તે કોઈપણ ક્ષેત્રે પોતાની સેવા અદા કરી શકશે.
આ પ્રંસગે સંસ્થાના નવનિર્મિત ભવનનાં દાતાશ્રીઓ, આર્કીટેક અને કર્મવીરોનાં અભિવાદનમાં માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠક અને શ્રી બબાભાઈ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને વિશિષ્ટ પ્રદર્શનનું નિદર્શન જાણીતા ઉદ્ઘોષક શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ કરાવ્યું હતું.