ભાવનગર - અઢી તથા ત્રણ માસના શિશુને મળ્યો માતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ
તાપીબાઇ વિકાસ ગૃહ બન્યુ બાળક તથા પાલક દંપતીના મિલનનું માધ્યમ
ભાવનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શ્રી તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિશિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા બે શિશુને આજે માતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ સાંપડ્યુ છે. અઢી તથા ત્રણ માસના બે બાળકોનો જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમા તાપીબાઇ વિકાસગૃહ ખાતે દત્તકવિધિ સમારોહ યોજવામા આવ્યો હતો. જેમા નડીયાદના રહેવાસી તથા વ્યવસાયે વેપારી દંપતીએ અઢી માસના બાળકને તેમજ નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટિમા સાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા દંપતીએ ત્રણ માસના બાળકને આજરોજ સંસ્થા ખાતેથી દત્તક લીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા તા.6 ના રોજ 6 માસની એક બાળકીને પણ સંસ્થા દ્વારા પુણેના દંપતી દ્વારા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર તથા શ્રી રાજીવભાઈ પંડ્યાની ઉપસ્થિતમાં દત્તક લેવાઈ હતી.આમ ત્રણ દિવસમાં ત્રણ બાળકોનું સંસ્થાના માધ્યમથી પુનઃસ્થાપન કરાયું છે.
આ કાર્યક્રમમા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સંસ્થાની મુલાકાત લઇ સંસ્થા દ્વારા થઇ રહેલા સામાજિક કાર્યોથી માહિતગાર થયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી આવા પાવન પ્રસંગનુ આયોજન કરવા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે આ સંસ્થાનુ વાતાવરણ સંસ્થા જેવુ નહી પરંતુ ઘર જેવુ છે. સંસ્થાનું સંચાલન અને તેની લોકહિતની કાર્ય શૈલી પ્રસંશનિય છે. આવી સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોને જીવનમા ૧૮૦ ડીગ્રીનો સકારાત્મક વળાંક આપી માનવસેવાનું ઇશ્વરીય કામ કરે છે. સંસ્થાને આર્થિકરીતે મદદરૂપ થવા દાતાઓએ વહાવેલી દાનની સરવાણી બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ દાતાઓને બિરદાવ્યા હતા. બાળકની દત્તક લેવાની પહેલ અંગે બન્ને દંપતિઓની પ્રસંશા કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે આ પહેલ સમાજમા અન્યો માટે પણ પ્રેરણાદાયી બનશે તેમ જણાવી બન્ને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સંસ્થા વિશે માહિતી આપતા સંસ્થાના કોષાધ્યક્ષશ્રી ડો.ગિરીશભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા ૧૯૬૨થી આ વિશિષ્ટ સેવાકીય કાર્ય કરી રહી છે. જેમા અત્યાર સુધીમા ૩૧૪ બાળકોનું ઘર પરિવારમા પુન: સ્થાપન કરવામા આવેલ છે. સાથે સાથે આવી ૧૧૮ દિકરીઓને લગ્નગ્રંથીથી જોડી તેઓનું સમાજમા પુન: સ્થાપન કરેલ છે તથા આ દિકરીઓને પગભર થઇ સમાજમા માનભેર રહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબી થવા કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામા જ આપવામા આવી રહી છે. જેના થકી આ દિકરીઓ સ્વાવલંબી બની પોતાની જીંદગીની નવી કેડીઓ કંડારી રહી છે.
કાર્યક્રમમાં અતિથિઓનુ શાબ્દિક સ્વાગત સંસ્થાના શ્રી જે.પી.મૈયાણી તથા આભારવિધિ શ્રી ગીરીશભાઇ વાઘાણીએ કરી હતી.
દાતાઓ દ્વારા વહી દાનની સરવાણી
આ પ્રસંગે શ્રી જિવરાજભાઇ મોણપરા દ્વારા ૧૧ લાખ, શ્રી કોમલકાંત શર્મા દ્વારા ૧૧ લાખ, શ્રી વિષ્ણુકુમાર ગુપ્તા દ્વારા ૧.૧૧ લાખ, શ્રી સંજયભાઈ મહેતા દ્વારા ૨.૧૧ લાખ, શ્રી વી.બી.તાયલ દ્વારા ૧.૧૧ લાખ, શ્રી નઝીરભાઇ કલીવાલા દ્વારા ૧.૧૧ લાખ, શ્રી હરેશભાઇ પરમાર દ્વારા ૨૫ હજાર, શ્રી રમેશભાઇ દાઠાવાળા દ્વારા ૫૧ હજાર, શ્રી રિયાઝભાઇ મસાણી દ્વારા ૧.૧૧ લાખ, શ્રી રીતેષભાઇ અગ્રવાલ દ્વારા ૧.૨૫ લાખ, શ્રી અનિલ જૈન દ્વારા ૫૧ હજાર, શ્રી કપુર બંસલ દ્વારા ૧.૧૧ લાખ, શ્રી મનોજભાઇ શાહ દ્વારા ૨૫ હજાર તેમજ શ્રી રમેશભાઇ મેંદપરા દ્વારા ૧.૨૫ લાખનું સંસ્થાને અનુદાન કરવામા આવ્યુ હતુ.