વડીલોનો સ્વાસ્થ્યલક્ષી સર્વે

5,000 શિક્ષકો દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોનો સ્વાસ્થ્યલક્ષી સર્વે હાથ ધરાયો

સહયોગ આપવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલની અપીલ

ભાવનગર

ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા અને 60 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા વડીલોનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ કુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના આશરે 5000 શિક્ષકો દિવસમાં એક વખત આ વડિલોને ટેલિફોન કરી તેમની સ્વાસ્થ્ય અંગેની વિગતો મેળવી રહ્યા છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના 60 વર્ષથી ઉપર ની વયમર્યાદા ધરાવતા વડીલોની મોબાઈલ નંબર સહિતની એક યાદી તૈયાર કરવામાં આવી છે. જેના પર 5000 શિક્ષકો દ્વારા નિયમિત ફોન કરી કુટુંબના કોઈ સભ્યો વિદેશથી આવેલ છે કે કેમ? પરિવારમાં કોઇને કોરોન્ટાઈનની સલાહ આપવામાં આવે છે કે કેમ? કુટુંબના કોઈ વ્યક્તિ ને તાવ,ઉધરસ,ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જણાય છે કે કેમ? વગેરે જેવી વિગતો એકઠી કરવામાં આવી રહી છે. તેમજ 100 સ્વયંસેવકો દ્વારા જિલ્લામાં ટી. બી ના દર્દીઓની વિગતો મેળવાઈ રહી છે.અને જો કોઈ વ્યક્તિ દ્વારા ઉપરોક્ત લક્ષણોની પુષ્ટિ કરવામાં આવે તો આરોગ્ય તંત્રની હેલ્પલાઈન પર તેની વિગતો મોકલી આપવામાં આવે છે. અને ત્યારબાદ આરોગ્ય ટીમ દ્વારા જે તે વ્યક્તિની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવે છે.

આ કામગીરીમાં લોકો શિક્ષકોને શકય તેટલો વધુમાં વધુ સહયોગ આપે તેવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમારે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ કામગીરી રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેથી કોઇપણ જાતનો ડર, સંકોચ કે શંકા રાખ્યા વિના કોરોના સંક્રમણને અટકાવવા સૌ જરૂરી સહયોગ આપે તે ખૂબ જરૂરી છે.