લોકડાઉન દરમિયાન ગેરરીતિ બદલ
આવશ્યક ચીજ વસ્તુઓના ૪૦ એકમો સામે ગ્રાહક સુરક્ષા વિભાગની કાર્યવાહી
ભાવનગર
ભાવનગર જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા હાલની પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સરકારશ્રી દ્વારા અપાયેલ લોકડાઉન દરમિયાન ૪૮૦ જેટલા આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, તેલ, અનાજ, કરીયાણા, દવા વગેરેના વિવિધ એકમોની ઓચિંતી મુલાકાત લઇ ૪૦ એકમોની સામે વધુ ભાવ લેવા તથા અન્ય ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી તથા આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૮૦,૫૦૦ ની વસૂલાત કરવામાં આવી.
આ અંગે વધુ વિગતો આપતા મદદનીશ નિયંત્રક શ્રી રાવલે જણાવ્યું હતું કે સદર મુલાકાત દરમિયાન ગ્રાહકો તથા વેપારીઓને પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સરકારશ્રી દ્વારા અપાયેલ દિશા નિર્દેશનોનું પાલન કરવા જરૂરી સુચના આપી. જેવી કે ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ એકબીજા વચ્ચે જરૂરી અંતર જાળવવું તથા ગ્રાહકોને જરૂરી સુવિધા પૂરી પાડવી વગેરે માહિતી હાજર ગ્રાહકો તથા વેપારીઓને આપી અમલ કરવા જણાવાયુ હતું.
સદર કામગીરીમાં જિલ્લા અધિકારી શ્રી .રાવલ તથા સર્વે નિરીક્ષકો શ્રી નીનામા અને શ્રી જાદવ, શ્રી નરશીભાઈ પડાયા, શ્રી વિશાલભાઈ બારૈયા સહિતના કર્મચારીઓ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વધુ વિગતો આપતા શ્રી રાવલે જણાવ્યું હતું કે માર્ચ માસ દરમિયાન વિવિધ ૩૩૫ એકમોની તપાસ કરવામાં આવેલ. જેમાં ઓછું આપવા, વજનમાપ પ્રમાણિત ન કરાવવા, વધારે ભાવ લેવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા અને પેકર તરીકેની નોંધણી ન કરાવવા બાબત જેવી ક્ષતિઓ બદલ કુલ ૮ એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૨૪,૫૦૦ વસૂલ કરવામાં આવ્યા તથા ૬૮૯ એકમોની ચકાસણી કામગીરી કરી ૬,૨૪,૪૬૦ ચકાસણી ફી તથા અન્ય ફી સહિત કુલ રૂ.૭,૭૦,૬૦૫ સરકારી ફી વસુલ કરેલ છે.
વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન વિવિધ ૩,૮૩૫ એકમોની તપાસ કરવામાં આવેલ. જેમાં ઓછું આપવા, વજનમાપ પ્રમાણિત ન કરાવવા, વધારે ભાવ લેવા, વજનમાપ પરવાનાની શરતોના ભંગ, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા અને પેકર તરીકેની નોંધણી ન કરાવવા બાબત જેવી ક્ષતિઓ બદલ કુલ ૨૯૦ એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી. આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૩,૩૬,૫૫૦ વસૂલ કરવામાં આવ્યા તથા ૬,૬૧૧ એકમોની ચકાસણી કામગીરી કરી રૂ.૫૫,૭૨,૦૧૬ ચકાસણી ફી તથા અન્ય ફી સહિત કુલ ૬૪, ૬૮,૯૫૨ સરકારી ફી વસુલ કરેલ છે. તેમ મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.