સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 14 ગામોની 3000 જેટલી વ્યક્તિઓની કોરોના નિયંત્રણ કાર્યવાહી
કોરોના સામે અગાઉના મહિના દરમિયાન 4,500 જેટલી વ્યક્તિની આરોગ્ય ચકાસણી
ભાવનગર
સરકારના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના બિમારી સામે સતત કાર્યરત રહ્યું છે. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 14 ગામોમાં 3000 જેટલી વ્યક્તિઓની કોરોના નિયંત્રણ કાર્યવાહી કરવામાં આવી. આ અગાઉના મહિનામાં આ ગામોની 4500 જેટલી વ્યક્તિઓની આરોગ્ય તપાસની કરવામાં આવી હતી.
કોરોના બિમારી સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સઘન તકેદારી રાખવામાં આવી છે. આ અંગે તબીબી અધિકારી શ્રી આશિયાનાબેન હુનાણી તથા આયુષ તબીબી અધિકારી શ્રી હેતલબેન માવાણી દ્વારા જણાવાયા મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંકલન સાથે કોરોના બિમારી સંદર્ભે આ કેન્દ્ર નીચેના 14 ગામોમાં વિશેષ આરોગ્ય તપાસ કરાઈ છે.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા સણોસરા, ગઢુલા, પાંચતલાવડા, વાવડી, કૃષ્ણપરા, ઈશ્વરિયા, ભૂતિયા, પીપરડી, સરકડિયા, ઝરિયા, પાડાપાણ, સરવેડી, સાંઢીડા અને ઢાંકણકુંડા ગામોમાં સુરત, અમદાવાદ કે અન્ય જિલ્લામાંથી આવનાર પરિવારોને કોરોના સંદર્ભે નિયંત્રિત કરવામાં આવ્યા, જેની સંખ્યા 3000 જેટલી વ્યક્તિઓ થાય છે. આ સંખ્યા સિહોર તાલુકામાં સૌથી વધુ છે.
સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચેના પેટા આરોગ્ય કેન્દ્રના સંકલનથી અગાઉ માર્ચ મહિના દરમિયાન કોરોના બિમારી સંદર્ભે 4,500 વ્યક્તિની આરોગ્ય તપાસ કરી લેવાઈ હતી. આ તબીબી કામગીરીમાં તબીબ શ્રી મહેશભાઈ પડાયા સાથે નિરીક્ષકો શ્રી રામદેવસિંહ ચુડાસમા તથા શ્રી મીનાબેન પાઠક અને શ્રી કલ્પેશભાઈ ડાંગર તથા શ્રી મિતાલીબેન પંડ્યા રહ્યા હતા.
હજુ પણ આ કાર્યક્ષેત્રના ગામોમાં અન્ય જિલ્લા વિસ્તારમાંથી આવતી વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જે યાદી કાર્યવાહીમાં શ્રી કિશોરભાઈ પરમાર ફરજ બજાવી રહ્યા છે.