રામધરી ચોરવડલા તળાવોમાં માંગ

રામધરી ચોરવડલા તળાવોમાં સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવા તિવ્ર માંગ

આજુબાજુના ગામોમાંથી ખેડૂતો હવે લડતનો માર્ગ અપનાવે તેવી સ્થિતિ

ઈશ્વરિયા સોમવાર તા.07.09.2020
રાજ્ય સરકારની સૌની યોજના અંતર્ગત રામધરી અને ચોરવડલાના તળાવોમાં પાણી ઠાલવવા આ પંથકના ગામોમાંથી તિવ્ર માંગ ઉભી થયેલી છે. જોકે હવે આજુબાજુના ગામોમાંથી લડતનો માર્ગ અપનાવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌની યોજના દ્વારા રાજ્ય સરકાર સૌરાષ્ટ્રના મોટાભાગના નાના મોટા જળાશયોમાં નર્મદાનું પાણી ઠાલવી રહી છે, જે સારી બાબત છે. આ પરિસ્થિતિમાં લાગુ પડતા વિસ્તારોના જળાશયોને આ યોજનામાં સાંકળવા જોઈએ. જે મુજબ સિહોર તાલુકાના રામધરી જળસિંચન યોજના તથા ચોરવડલા જળસિંચન યોજના તળાવોને સામેલ કરી લેવા જોઈએ.આટઆટલો વરસાદ થવા છતાં આ તળાવો અધૂરા જ રહ્યા છે, તેમજ તંત્ર દ્વારા કોઈ આગોતરી મરામત કે સફાઈ જેવી કાર્યવાહી પણ થવા પામી નથી.
વિકળિયાથી હણોલ જળાશય સુધી જે પાણી લઈ જવામાં આવે છે, તે મુજબ જ રામધરી તથા ચોરવડલા તળાવોમાં પાણી ઠાલવી શકાય તેમ છે.
આ વિસ્તારના ખેડૂતો આગેવાનોની ઘણાં સમયની માંગ સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓએ સાંભળવી જોઈએ અને ઉકેલવી જોઈએ.
આ પંથકના સણોસરા, કૃષ્ણપરા, ઈશ્વરિયા, રામધરી, બજુડ તથા ગોલરામા ગામોના ખેડૂતો હવે આ તળાવો માટે કોઈ રાજકારણ ઉભું કર્યા વગર અને આશ્વાસન નહીં પરંતુ નક્કર કાર્યવાહીની તિવ્ર માંગ સાથે ના છુટકે લડત માટે તૈયાર થઈ રહ્યા છે.