પાણી માટે માનવ વસતિ સાથે પશુઓની સંખ્યા પણ ધ્યાને લેવા સરકારનું આયોજન
સિહોર ખાતે વિવિધ ચાર યોજનાઓના કામનો પ્રારંભ કરાવતા પા. પૂ . મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
ઈશ્વરિયા
સિહોર ખાતે પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામનો પ્રારંભ કરાવતા પાણી પૂરવઠા, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે પાણી માટે માનવ વસતિ સાથે પશુઓની સંખ્યા પણ ધ્યાને લેવા સરકારશ્રી દ્વારા આયોજન થયુ છે.
પાણી પૂરવઠા ,પશુપાલન મંત્રી શ્રી બાવળિયાએ અહીં કાર્યક્રમમાં આ વિવિધ ચાર યોજનાઓની આંકડાકીય વિગતો આપતા કહ્યું કે વ્યક્તિદીઠ ૧૦૦ લીટર શુદ્ધ પાણી મળે તે સરકારનો ધ્યેય છે. પાણી માટે માનવ વસતિ સાથે પશુઓની સંખ્યા પણ ધ્યાને લેવા સરકારનું આયોજન થયું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'નલ સે જલ' અભિયાનમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ના ઘર સુધી પાણી મળી એ સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં અગાઉની યોજનાઓની સુધારણા કરવા નક્કર આયોજન થયું છે.
ગુજરાત પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અહીંયા યોજાયેલ કાર્યક્રમમાં સિહોર ઝોન સ્ટ્રેન્ધનીંગ - રિમોડેલિંગ પાણી પૂરવઠા યોજના, સિહોર ઝોન સુધારણા પાણી પૂરવઠા યોજના, પાલિતાણા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના (દિવાલ અને રસ્તાની કામગીરી) અને પાલિતાણા જૂથ સુધારણા ( ભૂંગળાંની કામગીરી) એમ ચાર યોજનાઓના ખાતમુહૂર્ત તથા પ્રારંભ કરાવાયેલ છે.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળે સંવેદનશીલ સરકાર દ્વારા થઇ રહેલા કામોને બિરદાવેલ અને કહ્યું કે ભૂતકાળમાં જે કામ નથી થયા તે થઈ રહ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે આપણા માટલા સુધી નર્મદાના પવિત્ર જળ લાવી આપ્યા છે.
ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણીએ આજે મંત્રી શ્રી દ્વારા થયેલ કામોના ખાતમુહૂર્તો થયાનો આનંદ વ્યક્ત કર્યો.
ધારાસભ્ય શ્રી ભિખાભાઇ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વક્તુબેન મકવાણા, સિહોર નગરપાલિકા અધ્યક્ષ શ્રી દિપ્તીબેન ત્રિવેદી સહિત પદાધિકારીની ઉપસ્થિતિમાં મહાનુભવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ તેમજ તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગના ઇજનેર શ્રી તેજસભાઈ પરમારે યોજનાની વિગતો સાથે મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. અહીં પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી નિનામા, પાણી પૂરવઠા વિભાગના ઇજનેર શ્રી ભારતીબેન મિસ્ત્રી તેમજ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં આભારવિધિ પાણી પૂરવઠા વિભાગના શ્રી મોરીએ કરી હતી. કાર્યક્રમના સંચાલનમાં શ્રી મિતુલ રાવલ .રહ્યા હતા.