કોરોના વાયરસ - ડાયલ ૧૦૭૭

કોરોના વાયરસ અંગે મદદ, માર્ગદર્શન, કે પ્રશ્નોનું સમાધાન જોઈએ છે? ડાયલ કરો ૧૦૭૭

ફરિયાદો આવી જે તમામનો તંત્ર દ્વારા ત્વરિત ઉકેલ લવાયો

ભાવનગર 
કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક સ્તરે મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની અન્ય તમામ સેવાઓ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ બાબતે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુ નાગરિકોને સુચારુ રૂપે મળી રહે તથા આવશ્યક સેવાઓ અવિરતપણે દરેક જિલ્લાઓમાં ચાલુ રહે તેમ જ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુસર દરેક જિલ્લાઓમાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવેલ છે.

તા.૧૩/૩/૨૦૨૦ થી ભાવનગર જિલ્લામાં ૧૦૭૭ હેલ્પલાઈન કાર્યરત છે જેમાં આજદિન સુધીમાં પોલીસ અંગેની ૯૪, મેડિકલ અંગેની ૧૪૮, શાકભાજી તથા કારીયાણાં અંગે ૧૨૪, દૂધ અંગે ૨, ટ્રાન્સપોર્ટ ૫૨૫, જમવા અંગે તથા ફૂડ પેકેટ અંગેની ૪૭, તેમજ અન્ય ૧૮ ફરિયાદો નોંધવામાં આવેલ છે જે તમામ ફરિયાદોનું વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સુખદ સમાધાન કરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે, જિલ્લામાં કોઈ પણ સ્થળે અનાજ, શાકભાજી, દૂધ,દવા, કરિયાણાની વસ્તુઓ, એલ.પી.જી. ગેસ સિલિન્ડર કે પેટ્રોલિયમ પેદાશો જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનું વહન કરતા વાહનો માટે અવર જવર માટે પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલ છે આમ છતાં કોઈ વાહન ચાલક કે નાગરિકોને મુશ્કેલી જણાય તો તેઓએ સીધો ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવો. આ સિવાય જો કોઈ નાગરિકના મનમાં કોરોના વાયરસને કારણે કોઈ શંકા, ભય કે પ્રશ્નો મૂંઝવતા હોય તો આવા નાગરિકો પણ નિઃસંકોચ આ હેલ્પલાઈન ની મદદ લઈ શકે છે.કોઈ નાગરિક, સંસ્થા કે અન્ય ઉત્પાદકો પણ જો જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા ઇચ્છતા હોય અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ૧૦૭૭ હેલ્પલાઈન એમનાં માટે અરસપરસનું પ્લેટફોર્મ પુરૂ પાડશે.અકસ્માત, મેડિકલ ઇમરજન્સી, અન્ય રોગો માટેની સારવાર, નિરાધાર વ્યક્તિઓ, રહેઠાણ કે ભોજન અંગેની મુશ્કેલી, નિસહાય વૃદ્ધો માટે મદદ, શંકાસ્પદ કેસો અંગે જો કોઈ વિગત આપવી હોય તો પણ આ ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન ૧૦૭૭ આપને ચોક્કસથી મદદરૂપ થશે.
 
આ હેલ્પલાઇન નંબર ૨૪ કલાક કાર્યરત છે અને જિલ્લાના નાગરિકો દ્વારા નોંધાયેલી ફરિયાદ રજિસ્ટરમાં નોંધી તેનુ સંપૂર્ણ નિરાકરણ કરવા અંગેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવે છે. આંતરજીલ્લા અને આંતરરાજ્ય વાહન વ્યવહાર પ્રતિબંધિત હોવાથી ભાવનગર જિલ્લાના કોઈ નાગરિક અન્ય રાજ્ય કે જિલ્લામાં અટવાયેલા હોય અને કોઇ મદદની જરૂર હોય તો તેઓને પણ આ હેલ્પલાઇન નંબર પરથી મદદ મળશે.

આ સાથે જિલ્લા કલેકટરશ્રીએ આવશ્યક ચીજવસ્તુઓ જો ઘર સુધી પહોંચતી હોય અથવા નજીકમાં પ્રાપ્ય હોય તો તે સિવાય બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ લોકોને અપીલ કરી છે.