ગઢડા વિધાનસભા દિવ્યાંગ મતદાન

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી
૮૦ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ ૪૯૪ મતદાતાઓએ મતદાન કર્યું
 
બોટાદ ગુરુવાર 29-10-2020
      લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવો અભિગમ ભારતીય ચૂંટણી પંચનો રહ્યો છે.  આ વખતે કોવીડ મહામારીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ કાર્ય કરી રહ્યું છે. આ સંદર્ભે ચૂંટણીમાં દિવ્યાંગ અને ૮૦ વર્ષથી વધુ વયના મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 
      ગઢડા પેટાચૂંટણીમાં ૪૯૪ મતદાતાઓએ મતદાન કર્યું છે. જેમાં વલ્લભીપુરના ૧૨૬, ગઢડાના ૨૩૧ અને ઉમરાળાના ૧૩૭ મતદાતાનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા દિવ્યાંગ અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓના ફોર્મ સ્વીકારી ૨૫ ઓક્ટોબર અને ૨૬ ઓક્ટોબર એમ બે દિવસ મતદાતાના ઘેર જઈ મતદાન માટેની સુવિધા પૂરી પાડી હતી. જે અંતર્ગત ૨૫ ઓક્ટોબરે -૩૩૪ મતદાતાએ જ્યારે ૨૬ ઓક્ટોબરે -૧૬૦ મતદાતાએ મતદાન કર્યું.
       ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પોસ્ટલ બેલેટનો ઉપયોગ ચૂંટણી સમયે ફરજ પરના સરકારી કર્મચારીઓના મતદાન માટે થતો હતો, પણ કોવીડને ધ્યાનમાં રાખી આ વિકલ્પનો વિસ્તાર કરવામાં આવ્યો છે.