'યુવા ઉત્સવ' - વિવિધ ૧૮ સ્પર્ધાઓનું આયોજન
સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષના કલાકારો ભાગ લઈ શકશે
ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૮ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર શહેર દ્વારા યોજવામાં આવશે.
આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં લોકનૃત્ય, એકાંકી, લોકગીત, શીઘ્રવકતૃત્વ, કથ્થક, ભરતનાટ્યમ, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, સિતાર, ગિટાર, વાંસળી, તબલા, વીણા, મૃદગમ, હાર્મોનિયમ, શાસ્ત્રીય કંઠીય સંગીત (હિંદુસ્તાની), શાસ્ત્રીય કંઠીય સંગીત (કર્ણાટકી) ની વિડીયો સીડી અથવા પેન ડ્રાઈવમાં બનાવી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે. અન્યમાં શીઘ્રવકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે તા.૨૪/૧૨/૨૦૨૦ના રોજ કચેરીએથી વિષયો મેળવી ૧ કલાકમાં સી.ડી. તૈયાર કરી કચેરીએ પહોચતી કરવાની રહેશે.
જીલ્લામાં પ્રથમ આવનાર આવનાર કલાકારની સી.ડી. ઝોનકક્ષાએ મોકલવામાં આવશે. ઝોનકક્ષાએ પ્રથમ, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર કલાકારની સી.ડી. રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કલાકારે વર્ચ્યુયલ/ઓનલાઈન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. કલાકારે નિયમોનુસાર સ્પર્ધાની સી.ડી. અથવા પેન ડ્રાઈવમાં તા.૨૪/૧૨/૨૦૨૦ ના રોજ બપોરે ૪ કલાક સુધીમાં રૂબરૂ આપવાની રહેશે. ત્યારબાદ આવેલ એન્ટ્રી ધ્યાન પર લેવામાં આવશે નહીં. વિગતવાર માહિતી આ કચેરીના બ્લોગ એડ્રેસ - dsosportsbvr.blogspot.com પરથી કલાકારની સંખ્યા, સહાયકની સંખ્યા અને સ્પર્ધાનો સમય કેટલો છે અને સ્પર્ધાના નિયમો જાણી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.