અમેરિકા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વસતા પરિવારજનોએ ઓનલાઇન પ્રસંગ ઉજવી સમાજને એક નવી રાહ ચીંધી
ભાવનગર
કોરોના મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય એ ખૂબ મહત્વનું છે. કોરોના સંક્રમિત વ્યક્તિની નજીક આવવાથી અન્ય વ્યક્તિમાં પણ કોરોના ફેલાવાનું જોખમ ખૂબ વધી જાય છે.'તમે એકબીજાથી જેટલા વધુ દૂર કોરોના પણ તમારાં થી એટલો જ દૂર'.આ પ્રમાણે સોશિયલ ડિસ્ટનસિંગનું મહત્વ સમજી ભાવનગરના એક પરિવારે પોતાના ઘરનો પ્રસંગ ઓનલાઇન ઉજવી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
ભાવનગર ખાતે રહેતાં હર્ષાબેન ભરતભાઇ ભટ્ટના ઘરે પુત્રવધૂના સીમંતનો પ્રસંગ ઉજવવાનું નક્કી થયું.સૌએ કોરોના મહામારીના કપરાં સમયે સોશિયલ ડિસ્ટનસિંગ તો જળવાવું જ જોઈએ તેવું નકી કરી ઈન્ટરનેટના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ થકી જ સીમંતનો પ્રસંગ ઉજવવાનું નકી કર્યું.
આ પ્રસંગમાં અમેરિકા સહિત રાજયના વિવિધ શહેરો જેવા કે રાજકોટ, દ્વારકા, મીઠાપુર, અમરેલી, બગસરા, પાલીતાણા, અમદાવાદ, ચલાળા વગેરે સ્થળોએથી નાના બાળકોથી લઈ 90 વર્ષની ઉંમરના 40 થી 45 પરિવારજનો ઓનલાઈન સીમંતના પ્રસંગમાં સહભાગી બન્યા.
આ દિવસે બપોરનું જમવાનું મેનુ પણ દરેક ઘરમાં એકસરખું જ નક્કી કરવામાં આવ્યું. તે પ્રમાણે દરેક ઘરે એકસરખા વ્યંજનો તૈયાર થયાં અને પ્રસંગની ઉજાણી કરાઈ.
આમ આ લોકડાઉનના સમયમાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતો એક આદર્શ પ્રસંગ ભાવનગર ખાતે ઉજવવામાં આવ્યો.જે સમાજ માટે આ સમયે ચોક્કસપણે એક નવી રાહ ચિંધનારો કહી શકાય.