મુખ્યમંત્રી રાહત ફંડમા
ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ૧.૧૪ કરોડ કરતા પણ વધુનુ અનુદાન
ભાવનગર
હાલ કોરોના મહામારીને નાથવામાં સૌ કંઈકને કંઈક રીતે મદદરૂપ થતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પહેલને વધાવી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમા અર્પણ કર્યો છે. આ અંગે વિગતે માહિતી આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મધુકરભાઈ ઓઝા જણાવે છે કે જિલ્લાના દસ તાલુકા અને સી.આર.સી. અને બી.આર.સી. કો ઓર્ડીનેટર સહીત ૭,૫૦૦ કરતા પણ વધુ શિક્ષક મિત્રોના એક દિવસની પગારની રકમ કે જે એક કરોડ ચૌદ લાખ કરતા પણ વધુ થાય છે. તેનો ચેક આજરોજ જિલ્લા ક્લેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલને અર્પણ કરવમા આવ્યો હતો.
જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ કોરોના વોરિયર્સની જેમ કોરોના મહામારી અંગેની ડોર ટુ ડોર જાગૃતિનુ અભિયાન હોય, કોરોના સર્વેની કામગીરી હોય, બાળકોને અનાજ વિતરણની કામગીરી હોય કે રેશન શોપ ઉપર હાજર રહી અનાજ વિતરણની કામગીરી હોય આવી દરેક કામગીરીને રાષ્ટ્ર હિતમા અગ્રતા આપી ખડેપગે કાર્ય કરી રહ્યા છે. સાથોસાથ આ વિકટ પરિસ્થિતિમા પણ સ્ટડી ફ્રોમ હોમ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કાર્ય કામ કરી રહ્યા છે.
આ તકે મધુકરભાઈ ઓઝાએ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષક મિત્રો અને ઘટક સંઘોનો પણ આભાર માન્યો હતો. જિલ્લા ક્લેક્ટરશ્રીને ચેક વિતરણમા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર શ્રી કે.ડી.કણસાગરા, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી મધુકરભાઈ ઓઝા, ઘટક સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી શ્રી નવઘણભાઈ મકવાણા, હિંમતભાઈ જાની અને લશ્કરભાઈ વાજા તથા મિતુલ રાવલ સહીતના આગેવાનો જોડાયા હતા.