માનવ અને મેળા વગર રહેશે મહાદેવ અને મહેરામણ

ઈશ્વરિયા સોમવાર તા.17-08-2020
      ગોહિલવાડમાં કોળિયાક ગામ પાસે સમુદ્ર કિનારે નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં શ્રાવણી અમાસે વહેલી સવારથી વિરાટ મેળો યોજાય છે. હજારો નહિ, લાખના આંકડામાં ભાવિક શ્રદ્ધાળુઓ સૌરાષ્ટ્ર પ્રાંત કે ગુજરાતમાંથી જ નહિ દેશના કેટલાયે ભાગમાંથી ઉમટી પડે છે. કેટકેટલીયે કથા દંતકથા અને આસ્થા સાથે આ દિવસનો મેળો યોજાય છે. સમુદ્રમાં રાત્રિ દરમિયાન આવતી ભરતી બાદ વહેલી સવારે ઓટ આવતા કિનારા નજીક નિષ્કલંક મહાદેવ શિવલિંગ સુધી પહોંચી શકાય છે. આ મહાદેવના દર્શન, પૂજા કે સ્પર્શ માટેએ કોઈને કોઈ બાધા નથી. જો કે, વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ બંદોબસ્ત વ્યવસ્થા કરવી પડે છે. સાંપ્રત બિમારીના વાતાવરણમાં અહીં તસવીરમાં પ્રસ્તુત ભીડ રહેવાની નથી. આ વર્ષે તો માનવ અને મેળા વગર જ રહેશે મહાદેવ અને આ મહેરામણ...!

તસવીર કથા : મૂકેશ પંડિત