ગોહિલવાડમાં નવરાત્રીનો પ્રારંભ

ગોહિલવાડમાં ભાવિકોની ઓછી હાજરી સાથે નવરાત્રીનો પ્રારંભ

ઓછા પદયાત્રીઓ તેમજ સંઘ દેખાયા નથી

ભાવનગર શનિવાર તા. 17-10-2020

માતાજીના નવલા નોરતાનો ઉત્સવ હરખ આ વર્ષે ઓછો રહ્યો છે ત્યારે ગોહિલવાડમાં પણ શક્તિ-સ્થાનકોમાં ભાવિકોની ઓછી હાજરી સાથે નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીના મંદિરો પર ઓછા પદયાત્રીઓ તેમજ સંઘો પણ દેખાયા નથી.
કોરોના મહામારી સંદર્ભે સરકારના નિયંત્રનોના લીધે તમામ દેવસ્થાનો પર ભક્તોની ભીડ ઓછી કે કેટલાક પર સાવ બંધ રહેવા પામી છે. નવરાત્રીના પ્રારંભે આજે ગોહિલવાડ ભાવનગર વિસ્તારના શક્તિ સ્થાનકોમાં ભાવિકોની ઓછી હાજરી રહેવા પામી છે.
ગોહિલવાડ રાજ પરિવારના આરાધ્ય દેવી ખોડિયાર માતાજીના બેસણા સિહોર પાસે રાજપરા ગામે રહેલા છે, જ્યાં પણ સેંકડો યાત્રિકો આવતા હોય છે, જ્યાં એકદમ ઓછા યાત્રિકો રહ્યા.
આ પંથકમાં મહુવાના દરિયા કિનારે ભવાની માતાનું મંદિર રહેલું છે, જ્યાં પણ આ વર્ષે દર્શનાર્થીઓ ખૂબ ઓછા રહ્યા.
સિહોરમાં ડુંગર ઉપર શિહોરી માતાના બેસણા છે, ભાવનગરમાં રુવાપરી માતાના ભક્તો ખૂબ રહેલા છે તેમજ ધોળા નજીક દડવા ગામે વાવમાં બેસેલા રાંદલ માતાજીના દર્શન માટે પણ આ નવરાત્રીના પહેલા દિવસે ખૂબ ઓછા ભાવિક ભક્તો આવ્યા.
ભાવનગર પાસે ભંડારિયા ગામે બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી વેશભૂષાનું આયોજન આ વર્ષે બંધ રાખવામાં આવ્યું. અહીંયા નજીક ધાવડી માતા મંદિર તેમજ ઊંચાકોટડા ગામ પાસે બિરાજતા ચામુંડા માતાના દર્શને દૂરથી પણ ભક્તો આવે છે, જેની સંખ્યા પણ ખૂબ ઓછી રહેવા પામી છે.
આ વર્ષે બિમારી સંદર્ભે સરકારી નિયંત્રનોના લીધે માતાજીના નવલા નોરતાનો હરખ ઓછો રહેવા પામ્યો છે. ખૂબ ઓછા પદયાત્રીઓ અને યાત્રિક સંઘો દેખાયા નથી. ગામડામાં વેશભૂષા કે ગરબી મંડળોના આયોજનો પણ બંધ રહ્યા છે.