લેન્ડ ગ્રેબિંગ સૌપ્રથમ ભાવનગર ફરિયાદો

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો  

ભાવનગર માર્કેટિંગ યાર્ડ, અકવાડા તથા મહુવા ખાતે જમીન પચાવી પાડવા અંગે તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

આગામી દિવસોમાં પણ જમીન પચાવી પાડનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે - જિલ્લા કલેક્ટરશ્રી

ભાવનગર

ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અમલમાં મુકવામાં આવેલ છે.જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીના હકોને રક્ષિત કરતી શુભ શરૂઆત ભાવનગરથી થઈ છે.ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં આજરોજ એકસાથે જુદી જુદી ત્રણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

જેમાં પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી. જમીન પર શ્રી છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખું ઉભું કરી જમીનનો કબજો ખાલી ન કરવા અંગેની સેક્રેટરીશ્રી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા નોંધાવવામાં આવી છે.

જ્યારે બીજી ફરિયાદ મહુવા ખાતેની સરકારી સર્વે નં 132 પૈકીની 500 ચો.મી. જમીનમાં સાટાખત કરીને રૂ.એક લાખ વસૂલી ખરીદ/વેચાણ કરેલ છે તે બાબતની શ્રી હિતેશભાઈ હરસોરા તથા રજાકભાઈ વિરુદ્ધ સરકાર તરફથી નોંધાવવામાં આવી છે.

જ્યારે અન્ય ત્રીજી ફરિયાદ અકવાડાના સરકારી સર્વે નં.106/1 ની 1416 ચો.મી. જમીનમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ નાનુભાઈ ખસિયા દ્વારા અનધિકૃત કબજો કરી તેમાં પ્લોટિંગ પાડીને નબળા વર્ગના લોકોને બિનઅધિકૃત વેચાણ કરેલ છે તે અંગેની સરકાર તરફે નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ રાજ્યમાં અમલમાં આવ્યા બાદ ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિની રચના કરવામાં આવી છે.જેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, બાડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી તથા અધિક નિવાસી કલેક્ટરશ્રીની બનેલી આ સમિતિ દ્વારા ગત તા. 28 ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત તમામ અરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

ફરિયાદ નોંધાયા બાદ શુ કાર્યવાહી થશે ?

નાગરિકોની જમીન સુરક્ષિત રહે તેમજ અસામાજિક તત્વો કોઈની જમીન પચાવી ન પાડે તે માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ને ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવવામાં આવ્યો છે.આ કાયદા હેઠળ નોંધવામાં આવેલ ફરિયાદની ચાર્જશીટ તપાસનીશ પોલીસ અધિકારીએ 21 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાની રહે છે.જ્યારે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ ખાસ કોર્ટમાં કેસ ચલાવી કોર્ટ દ્વારા માત્ર 6 માસના ગાળામાં આરોપો બાબતે ત્વરિત નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે આરોપો સાબિત થયે આરોપીને 10 થી 14 વર્ષની સજા તેમજ જંત્રીની કિંમત મુજબની દંડની રકમની ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ અંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડનારા શખ્સો તેમજ ભુમાફિયાઓ વિરુદ્ધ કડક હાથે તંત્ર દ્વારા કામ લેવામાં આવશે.