ગરમીનો તિવ્ર વાયરો - તકેદારી અનુરોધ

ગરમીનો તિવ્ર વાયરો શરૂ :  ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા તકેદારી રાખવા  અનુરોધ
ગરમીથી બચવા માર્ગદર્શિકા બહાર પાડી
 
ભાવનગર 
 
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વિશ્વ  સંગઠન  દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે, જ્યારે બીજી બાજુ ગરમીનો તિવ્ર વાયરો શરૂ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા તકેદારી રાખવા  અનુરોધ કરાયો છે  અને આ ગરમીથી બચવા  માર્ગદર્શિકા બહાર પાડી છે.
 
આ  ગરમીના વાયરા  દરમિયાનના લક્ષણોમા માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમા પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઊબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ – બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેચ આવવી જેવી અસરો શરીરમા જોવા મળે છે.
 
આવા ગરમીના સમયમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યા મુજબ આરોગ્યલક્ષી સલાહ મુજબ  બહાર નિકલવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢકાઇ રહે તે રીતે સફેદ સુતરાઉ ખૂલતાં કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વીશેષ કાળજી લેવી, સીધા સૂર્ય પ્રકાશથી બચો, ભીના કપડાથી માથું ઢાકીને રાખો, અવાર નવાર ભીના કપડાથી શરીર લુછો, વારંવાર ઠંડુ પાણી પીવો, લીંબુ સરબત, મોળી છાશ, તાડફળી અને નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઑ.આર.એસ. વગેરે પુસ્કળ પ્રમાણમા પીવા, બાળકો માટે કેસૂદના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમા ઉપયોગ કરવો, ગરમીમા બહારથી ઘેર આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું. શક્ય હોય તો ઘરના બારી અને બારણાં સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું, બજારમાં મળતો ખુલ્લો અને વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લંગ્ન પ્રસંગે દૂધ અને માવાની આઈટમ ખાવી નહીં, ઉપવાસ કરવાનું ટાળવું. સવારનું ભોજન ૧૨-૦૦ વાગ્યા સુધીમાં લઈ લેવું, ચા – કોફી સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું વગેરે જેવી બાબતોનુ ધ્યાન રાખવુ.
 
તીવ્ર ગરમીના વાયરામાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખાસ અને કાળી દ્રાક્ષનું સરબત લઈ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. જેથી હિટ વેવની અસર શરીર પર ઓછી થાય. 
 
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમા જણાવવામા આવ્યુ છે.