ભાવનગર ૧૭,૫૯૫ દર્દીઓ લાભાન્વિત :વિશ્વ વિક્રમ

ભાવનગરની ભૂમિ પર ઇતિહાસ રચાયો, ૧૭,૫૯૫ દર્દીઓ લાભાન્વિત :વિશ્વ વિક્રમ સર્જાયો

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તથા શ્રીજીતુભાઈ વાઘાણીએ સેવાયજ્ઞને બિરદાવ્યો

ગંભીર રોગની મોડી ખબર પડતા અમારે ઘરના મોભી ગુમાવવા પડયા આવી ઘટના અન્ય કોઈ સાથે ન ઘટે તે મુખ્ય હેતુ – રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે

ભાવનગર .રવિવાર તા.15-09-2019

રાજ્યના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના સંકલ્પથી વિરાટ આરોગ્ય શિબિર યોજાતા આજે  ભાવનગરની ભૂમિ પર ઇતિહાસ રચાયો છે. આ વિરાટ શિબિરમાં  ૧૭,૫૯૫ દર્દીઓ લાભાન્વિત થતા વિશ્વ વિક્રમ સર્જાયો છે. આ આયોજનમાં રાજ્યના નાયબ  મુખ્યમંત્રી શ્રી અને અન્ય મંત્રી શ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યને  બિરદાવ્યું.   

એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ભાવનગર ખાતે માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતીનભાઇ પટેલ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રીપ્રદિપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યશ્રી અને પ્રદેશ પ્રમુખ શ્રીજીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.અને સ્વ.વિજયભાઇ દવેને પ્રથમ પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં માનવસેવાને સૌથી મોટી સેવા ગણવામાં આવે છે આથી વિભાવરીબેન દવે દ્વારા હાથ ધરાયેલા સેવાના આ યજ્ઞને ખુબ અભિનંદન પાઠવું છું. વધુમાં જણાવ્યું હતું કે આ મેગા મેડિકલ કેમ્પ થકી પોતાનામાં રહેલા રોગ થી અજાણ એવા ઘણા લોકોનું અત્રે નિદાન થશે આમ આવા કેમ્પો માનવ જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મુકાયેલ મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના તેમજ આયુષ્માન ભારત યોજના કઈ રીતે લોકોના દુઃખ દૂર કરવામાં મદદરૂપ નીવડી છે તે અંગે જણાવતા નાયબમુખ્યમંત્રીશ્રી એ કહ્યુ હતુ કે આવી યોજનાઓ થકી જરૂરિયાત મંદ લોકો ડાયાલિસિસ, કેન્સર વગેરે જેવી મોંઘી સારવાર કરાવી શકતા ન હતા જે હવે આવવા-જવાના ખર્ચ સહિત સરકાર દ્વારા નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઇ છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કેન્સરની સારવાર માટે ભાવનગર જિલ્લાને ૧૭ કરોડના ખર્ચે લિનિયર એક્સીલેટર તેમજ સિટી સિમ્યુલેટર નામના અત્યાધુનિક મશીન ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી જણાવ્યું હતું કે ભાવનગરના દર્દીએ અમદાવાદ સુધી જવુ ન પડે પડે તેથી આગામી બે વર્ષમાં ભાવનગર જિલ્લાની સ્વાસ્થ્યલક્ષી સેવાઓને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

આ અવસરે રાજ્ય ગૃહમંત્રી શ્રીપ્રદીપસિંહ જાડેજાએ વિભાવરીબેન દવે તેમજ આરોગ્ય વિભાગના નોંધારાનો આધાર બનવા માટેના આ પગલાંને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પાણી, ગટર, સુરક્ષા, લાઈટ જેવા અનેક સેવાકિય કાર્યોમાં દર્દીની સેવાનો સંતોષ સૌથી વધુ હોય છે. 

આ તકે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી, તથા શ્યામાપ્રશાદ મુખર્જીના લોકસેવાના વિચારોને આ સેવાયજ્ઞ થકી આગળ વધારવામાં આવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ મેગા મેડિકલ કેમ્પમાં ૨૨,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી ૧૭,૫૯૫ લોકોએ આ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો જે ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા પણ સ્થાન મળ્યું.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, પાલિતાણાના ધારાસભ્ય શ્રીભીખાભાઇ બારૈયા,ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઇ મોરી,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા,પુર્વ ગૃહમંત્રીશ્રી અને પ્રવાસન વિભાગના અધ્યક્ષશ્રી મહેંદ્રભાઇ ત્રિવેદી,ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રીમહેંદ્રસિંહ સરવૈયા, અલંગ ઓથોરિટીના ચેરમેનશ્રી ગિરિશભાઇ શાહ, સ્ટેંડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, પુર્વ સાંસદ શ્રીરાજેન્દ્રસિંહ રાણા, ગિર સોમનાથના પ્રભારીશ્રી ભરતસિંહ ગોહિલ, આરોગ્ય વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતી જયંતી રવી, આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરે, ભાવનગર રેન્જ આઇ.જી શ્રીઅશોકુમાર યાદવ, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર અમદાવાદ મેડિસિટીના ડો.પ્રભાકરન, ડો.દિક્ષિત તેમજ અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.