ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે બહુઆયામી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી
ઇન્ટર કેમ્પસ મુવમેન્ટ પર રોક, વિડિયો કોલ, હેલ્પ ડેસ્ક, દવાઓનો અનામત જથ્થો, 24×7 મેડિકલ સ્ટાફ સહિતની સુવિધા થકી દર્દીઓને મળશે સર્વોત્તમ સારવાર
ભાવનગર
ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સારવાર, મેડિકલ સ્ટાફ મેનેજમેન્ટ, મેડિકલ સાધનોની ઉપલબ્ધી તથા અન્ય લોજિસ્ટિક્સ અને જાહેર જનતાની આરોગ્ય વિષયક સેવા બાબતે સુચારુ વ્યવસ્થા ગોઠવાય તે માટે સ્ટેટ નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલ.અને મુલાકાત બાદ તેમના દ્વારા કરવામાં આવેલ જરૂરી સૂચનોનું સર.ટી. હોસ્પિટલ દ્વારા તત્કાલ અમલીકરણ કરવામાં આવેલ છે.
હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે તે જુના બિલ્ડીંગ ટ્રોમા સેન્ટર અને કેન્સર બિલ્ડિંગને બેરીકેડ કરી સીંગલ કોવિડ કેમ્પસ કરવામાં આવેલ છે જેનાથી આઇસોલેશન અસરકારક રીતે થઇ શકશે અને અન્ય સામાન્ય દર્દીઓ તેમજ દર્દીઓના સગા સંબંધીઓને ચેપ લાગવાની સંભાવના પણ નિવારી શકાશે.
આ સાથે 24*7 પોલીસ બંદોબસ્ત, પ્રાઈવેટ સિક્યુરિટીમાં વધારો અને કાઉન્સિલિંગ સ્ટાફની સેવાઓથી દર્દીના સગા સબંધીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે સંભવિત ઘર્ષણ નિવારી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
દર્દીના સગા સંબંધીઓ માટે રેન બસેરા અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાંથી તેમને દર્દીઓની હેલ્થ વિશેની જાણકારી મળી શકશે.તેમજ ICCU અને CCU માં દાખલ થયેલ દર્દીઓની સ્થિતિ જાણવા માટે બે ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેના દ્વારા વિડીયો કોલ થકી દર્દીનાં સંબંધીઓ દર્દીની સ્થિતી જાણી શકશે.
સર.ટી.હોસ્પિટલમાં સમગ્ર કોવિડ કેમ્પસ તેમજ તમામ વોર્ડમાં સીસીટીવી દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહેલ છે તેમજ તમામ આવશ્યક દવાઓ તથા સામગ્રીઓનો ઓછામાં ઓછો ૧૦ દિવસનો સ્ટોક જાળવવામાં આવે છે.ઓક્સિજનનો પૂરતો જથ્થો જળવાઈ રહે તેમજ પ્રેશર મેન્ટેન રહે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે.
ગંભીર સ્થિતિમાં રહેલ દર્દીઓ માટે જુના બિલ્ડિંગમાં જરૂરી વ્યવસ્થા કરી ફરજ પરના સ્ટાફને કોવિડ કીટ પહેરી ઓછામાં ઓછી મુવમેન્ટ કરવી પડે તે પ્રમાણેનું આયોજન તથા ઇન્ટર કેમ્પસ મુવમેન્ટ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આઇસોલેશન વોર્ડમાં કામ કરતાં સ્ટાફને દસ દિવસ કોવિડ ડ્યુટી કર્યા પછી ત્રણ દિવસ રેસ્ટ અને ત્યારબાદ સાત દિવસ નોન કોવિડ ડ્યુટી આપવામાં આવે છે.આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ માટે પાણી અને એનર્જી ડ્રીંકની વ્યવસ્થા તેમજ કોવિડ ડ્યુટી સાથે સંકળાયેલ તમામ સ્ટાફને ઇન્ફેક્શનના લાગે તે માટે તમામ કાળજી લેવા માટે નોડલ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલ છે.
દાખલ દર્દીઓના રિપોર્ટ સમયસર સારવાર કરનાર ડોક્ટરને મળી રહે તેની જવાબદારી પેથોલોજી વિભાગ અને માઇક્રોબાયોલોજી વિભાગને સોંપવામાં આવી છે.તથા મૃતદેહ વ્યવસ્થાપનની તમામ જવાબદારી ફોરેન્સિક મેડિસિન વિભાગને સોંપવામાં આવેલ છે .
નોડલ ઓફિસર મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, બિલ્ડીંગ સુપરવાઇઝર, ફ્લોર ઇન્ચાર્જ તથા એડમીન સ્ટાફની કો-ઓર્ડિનેશન મીટીંગ દરરોજ 2:00 કલાકે તથા કો-ઓર્ડિનેશન ઓફિસર સુપ્રિટેન્ડન્ટ સર ટી હોસ્પિટલ ડીન મેડિકલ કોલેજ તથા મેડીકલ કોલેજના તમામ એચ.ઓ.ડી સાથે સંકલન બેઠક દર સોમવારે તથા ગુરુવારના રોજ યોજવામાં આવે છે.
જિલ્લા કલેકટરશ્રી, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ જ્યાં જરૂર જણાય ત્યાં ત્વરિત વહીવટી પગલાં લઇ તુરંત જરૂરી મંજૂરી લેવામાં આવે છે. દર્દીઓને સપ્લાય થતા ઓક્સીજન પ્રેશર ડાઉન ન થાય તે માટે ઓક્સિજન ટેન્ક પર બરફ ન જામી જાય તે માટે પાણીનો છંટકાવ કરવો જરૂરી હોઇ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ફાઈટર અને અન્ય જરૂરી તમામ સપોર્ટ આપવામાં આવે છે તેમજ જિલ્લા પંચાયત દ્વારા ફ્લુ ઓ.પી.ડી.માટે મેડિકલ ઓફિસરની સેવાઓ એમ્બ્યુલન્સ તથા લેબોરેટરી ટેકનીશીયનની સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત આઇ.એમ.એ. ના ડોક્ટરો તેમજ રેડક્રોસ સંસ્થા દ્વારા પણ જરૂરી સહયોગ આપવા તત્પરતા દર્શાવવામાં આવેલ છે અત્યારના આ કપરા સમયમાં સર ટી હોસ્પિટલનો મેડિકલ ફેકલ્ટી થી સ્વીપર સુધીનો તમામ સ્ટાફ દિવસ રાત સતત ખડે પગે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યો છે જેમની સેવા અને સુશ્રુષા ખરેખર બિરદાવવા લાયક છે.
અહેવાલ - વિરેન્દ્રસિંહ પરમાર