સર.ટી.જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ
કોરોના વાયરસ અંગે કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરતા રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે
સમાજ તથા રાષ્ટ્રહિત માટે સાવચેત રહેવા તથા સરકાર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ
ભાવનગર
રાજ્યકક્ષાના શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા કોરોના વાઇરસ અંગે કરેલ જરૂરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રી શ્રી સાથે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી ગાંધી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણ કુમાર બરનવાલ પણ જોડાયા હતા.
રાજ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારી શ્રીઓ અને સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી વિકાસ સિંહા પાસેથી કરવામાં આવેલ તૈયારીઓની નાનામા નાની વિગતો મેળવી હતી અને સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
રાજ્યમંત્રીશ્રીએ અલંગ ખાતે શીપ મારફત આવતા વિદેશી નાગરિકોની ચકાસણી, જિલ્લામાં ક્વોરોન્ટાઈન કરેલ લોકોની વિગતો, ક્વોરોન્ટાઈન સુવિધા, કોરોના વાયરસ અંગેની લેબોરેટરીની વ્યવસ્થા, જરૂરી દવાઓ તથા માસ્કની વ્યવસ્થા, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની તાલીમ તેમજ તૈયારીઓ, જાહેરનામાના ભંગ પર તંત્ર દ્વારા લેવાતા પગલાંઓ વગેરે બાબતો અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું અને કોરોના વાયરસ અંગે ઉભા કરવામાં આવેલ ખાસ વોર્ડની પણ મુલાકાત લીધી હતી.
રાજ્યમંત્રી શ્રીએ આ તકે જિલ્લાની તમામ આંગણવાડીઓ બંધ છે ત્યારે કુપોષિત બાળકોના ઘર સુધી પોષણ આહાર-THR પહોંચે તેવી વ્યવસ્થા કરવાનું સંવેદના સભર સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આવનારા દિવસોમા જો આ વાયરસ જિલ્લામા પ્રસરે તો તે માટે જરૂરી તમામ તૈયારીઓ થયેલ છે કે કેમ તેની આ સમીક્ષા છે. મંત્રી શ્રીએ જાહેર જનતાને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ લોકોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી આ મહામારીને આપણે મહાત ના કરી દઈએ ત્યાં સુધી દરેક નાગરિકનો સહકાર અપેક્ષિત છે. હાલ ભયનું કોઈ કારણ નથી પરંતુ સમાજ તેમજ રાષ્ટ્રહિત માટે સાવચેત રહેવા અને રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા દરેક નાગરિકને અનુરોધ છે અને જો બીમારીના કોઈ લક્ષણો જણાય તો સરકારશ્રીના વોટ્સએપ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૦૬૦૫૭૧ પર જરૂરી વિગતો મોકલવા પણ જણાવ્યું હતું.