ગઢડા કૃષિ મેળો

ગઢડા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ કૃષિ મેળો યોજાયો

 

બોટાદ

            ગઢડા સ્થિત જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, બોટાદ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા કૃષિ મેળો અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

            આ પરિસંવાદમાં બોટાદ ખેતીવાડી અધિકારી શ્રી ગઢીયાએ ખેતી પાકોમાં જમીન અને પાણીનું વ્યસ્થાપન વિશે પ્રવચન કરતા ઉપસ્થિત ખેડુતોને પી.એમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને ખેડુત માનધન યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સરકારશ્રી તરફથી મળતી કૃષિલક્ષી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. તેમણે આ તકે ખેતીના પાકોમાં આવતી ઈયળોના ઉપદ્રવના નિયંત્રણ માટે જરૂરી દવાનો સમયસર છંટકાવ કરવા ખેડુતોને અનુરોધ કર્યો હતો.

            આ કાર્યક્રમમાં બોટાદ નાયબ બાગાયત નિયામક શ્રી અમરચોલીએ બાગાયત પાકોમાં આધુનિક ખેત પધ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

            આ પરિસંવાદમાં ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી બાબતે જન આંદોલન સમિતિ ગુજરાતના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ સેંજળીયાએ તેમજ સજીવ ખેતી કરનાર સફળ ખેડુત શ્રી હિરજીભાઈ ભીંગરાડીયા, રાવતભાઈ ખાચરએ પોતાના અનુભવો ઉપસ્થિત ખેડુતોને જણાવ્યા હતા.

            આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન કમ વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

            આ કાર્યક્રમની સ્વાગત વિધિ બોટાદ પ્રોજેકટ ડાયરેકટર શ્રી (આત્મા) એ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી સ્વાગત વિધિ તેમજ આભારવિધિ કરી હતી.

            આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર શ્રી વનરાજસિંહ પરમાર, જયેશકુમાર કહોદરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારી સહિતના અધિકારી – કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.