મહુવા બસ સ્ટેશન ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી

મહુવા બસ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

૨૦૨૧ના વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ 

એસ.ટી.માં નવી ૧ હજાર બસ તેમજ ૫૦ ઇલેકટ્રીક બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મૂસાફરોની સેવામાં મૂકાશે

ભાવનગર 

રૂ.૪૩૦ લાખના ખર્ચે નિર્મિત થનાર  ભાવનગર વિભાગ હેઠળના મહુવા એસ.ટી. બસ સ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે રાજ્યના સામાન્ય માનવી, નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ આપતાં જાહેર કર્યુ છે કે જાહેર પરિવહન સેવા માટે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, એસ.ટી. કોર્પોરેશન નવી ૧ હજાર બસોની ખરીદી કરશે. આ ૧,૦૦૦ બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઇ જશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યુ હતું. આ નવી ૧૦૦૦ બસ અદ્યતન ટેકનોલોજી BS-6 થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે. તેમજ પરિવહન સેવામાં એસ.ટી. નિગમ નવી પ૦ ઇલેકટ્રીક બસ પણ આ વર્ષે મૂકશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં પાછલા બે દાયકાથી શિક્ષણ, આરોગ્ય, પાણી પૂરવઠા તેમજ જિલ્લા કચેરીઓમાં વર્કકલ્ચર-કાર્યસંસ્કૃતિમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવીને સામાન્ય ગરીબ વંચિત માનવી કેન્દ્રી સેવાઓ વિકસાવી છે.

કલેકટર કચેરીઓ કે પંચાયત કચેરીઓને સેવાસદન તરીકે પ્રસ્થાપિત કરી કોર્પોરેટ લૂક જેવું વર્ક એન્વાયરમેન્ટ ઊભું કર્યુ છે. આ બદલાવનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ જ સંદર્ભમાં માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.ની સેવાઓમાં પણ ધરમૂળથી પરિવર્તન લાવવામાં આવ્યું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તથા ‘‘પાછલા બે દાયકામાં આપણે સારી બસ-સારી સેવા’ના સૂત્ર સાથે આગળ વધ્યા છીયે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસને રાજ્યની સામાન્ય જનતા જનાર્દન, ગરીબ-મધ્યમવર્ગીય લોકોના સુવિધા-સુખાકારીના કામોનો દિવસ ગણાવતાં કહ્યું કે, અમારા માટે એસ.ટી એ સેવાનું સાધન છે. નફો કે લાભ લેવાની વૃત્તિનું માધ્યમ નથી. એસ.ટી સેવાઓનો હેતુ નૂકશાની વેઠીને પણ રાજ્યના સામાન્ય માનવી, ગામડાના દૂર-દરાજના વ્યક્તિને સારી-સસ્તી પરિવહન સેવા આપવાનો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એસ.ટી સેવાઓ કુદરતી આપત્તિઓ પૂર, વાવાઝોડા, કોરોના સંક્રમણ વગેરેમાં પણ લોકોને સલામત સ્થળે પહોચાડવા તેમજ જરૂરી સેવા-સુવિધા માટે ખડેપગે રહે છે તેની પ્રસંશા કરી હતી. 

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 16 જેટલા બસ સ્ટેશનના ઇ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભાવનગર વિભાગ હેઠળના મહુવા ખાતે રૂ.430 લાખના ખર્ચે નિર્મિત થનારા આ આધુનિક બસ સ્ટેશન થકી મુસાફરોની સુખ સુવિધામાં વધારો થશે.રાજ્ય સરકાર સતત લોકોની સુવિધામાં વધારો થાય તે માટે ચિંતિત છે અને તેથી જ તૈયાર થઈ રહેલ આ નવીન બસ સ્ટેશનમાં નાનામાં નાની તમામ લોકોપયોગી સુવિધાઓને આવરી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1062.73 ચો.મી. માં નિર્મિત થનાર આ નવિન બસ સ્ટેશનમાં ૧૦ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, રિઝર્વેશન રૂમ, પાસ રૂમ, ટ્રાફિક ઓફીસ, વહીવટી ઓફીસ, યુટીલીટી રૂમ, સ્ટોર રૂમ, ઇન્કવાયરી રૂમ, કેન્ટીન (કિચન તથા વોશ સહિત), પાર્સલ રૂમ, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેકટ્રીક રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ(શૌચાલય સહિત), મુસાફર જનતા માટે અલગ સ્ત્રી-પુરૂષ શૌચાલય, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મિક્ષ ફ્લોરીંગ, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાનો લાભ અંદાજીત દૈનિક 22 હજારથી વધુ મુસાફરોને મળશે.z

 

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, શ્રી દુલાભાઇ ભાલીયા, મહુવા પ્રાંત અધિકારી ડો.પંકજ વલવાઇ, શ્રી વિક્રમસિંહ વાળા, શ્રી એન.બી. સીસોદીયા, ભાવનગર વિભાગીય નિયામક શ્રી પી.એમ.પટેલ સહિતના પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.