ભાવનગર જિલ્લાનું સૌ પ્રથમ ઈ-વેચાણ કેન્દ્ર ઈશ્વરિયામાં શરૂ
લોકડાઉન પરિસ્થિતિમાં જન સુવિધા કેન્દ્ર દ્વારા વિવિધ આવશ્યક ચીજવસ્તુ ઘેરબેઠા ઉપલબ્ધ
ઈશ્વરિયા
પ્રવર્તમાન કોરોના બિમારી અને લોકડાઉન પરિસ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ ભાવનગર જિલ્લાનું સૌ પ્રથમ ઈ-વેચાણ કેન્દ્ર ઈશ્વરિયામાં શરૂ થયું છે.
ગામડામાં રહીને જ શહેરની કેટલીક સગવડતા અને સુવિધા સાથે વ્યવસાય અને રોજગાર મળે તે માટે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા વિજાણુ સંચાર પ્રણાલિકા દ્વારા ઈ-વેચાણ (CSC /E-commerce Center) કેન્દ્ર શરૂ કરાઇ રહ્યા છે.
જન સુવિધા કેન્દ્ર ઈશ્વરિયાના સંચાલક શ્રી ઋત્વિજ પંડિત દ્વારા ગ્રાહકને પ્રથમ ખરીદીનું વિતરણ થયું છે.
ભાવનગર જિલ્લાના મુખ્ય પ્રબંધક શ્રી વિરમદેવસિંહ ગોહિલ તથા શ્રી ક્રિષ્નદેવસિંહ ગોહિલના માર્ગદર્શન સાથે સંયોજક શ્રી નિલેશભાઈ ગઢવાણાંના નેતૃત્વમાં યોજના નીચે બીજા ગામોમાં પણ ઈ-વેચાણ કેન્દ્રોનો આગામી દિવસોમાં પ્રારંભ થશે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં આવા જન સુવિધા કેન્દ્ર (CSC) દ્વારા નાના ગામડા સુધી નાણાંકીય સાક્ષરતા એટલે કે રોકડ રહિત (Cashless ) વ્યવહાર, ડીઝીટલ ગ્રામ, ગ્રામ્ય યુવાધન માટે વિવિધ રોજગારલક્ષી તાલીમ, ડીઝીટલ તબીબી સેવા, પીએમજી દિશા સહિત અનેક યોજનાઓ સરળતાથી પહોંચાડવાનો હેતુ રહેલો છે. ભાવનગર જિલ્લાના ઘણાં ગામોમાં આ કેન્દ્રો આવેલા છે, જેમાં વિતરણ પ્રણાલીનો પ્રારંભ ઈશ્વરિયા ગામે પ્રથમ છે.
કોરોના બિમારી લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિમાં કેન્દ્ર સરકારની આ પ્રકારની ગ્રાહક વેચાણ કેન્દ્ર સુવિધા આવકાર્ય બની રહેશે.