કિસાન સહાય યોજના

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પારદર્શક સરળ અને ઝડપી યોજના છે જેનો લાભ રાજ્યના ખેડૂતોને મળશે - રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે

ગારીયાધાર તેમજ ધોળાની ખેડૂત સભામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલીકરણનો પ્રારંભ 

ભાવનગર

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તેમજ ધોળા ખાતે આયોજિત ખેડૂત સભામાં દેશમાં ખેડૂત કલ્યાણની નવી દિશા ચીંધનારી મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાના જિલ્લામાં અમલીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રી દ્વારા આ સભામાં રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ માટેની સાત યોજનાઓ અને તેના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવી હતી.

વીમા કંપનીઓની પ્રોફેશનલ નીતિઓને લીધે રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ ધરાતલ પર ન મળી શક્યો. પરંતુ રાજ્ય સરકારે હાર માન્યા વગર તેના વિકલ્પે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વર્તમાન ખરીફ મોસમમાં અમલમાં મૂકી છે. જેનો ઉલ્લેખ કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યોજના ખૂબ જ પારદર્શક, સરળ અને ઝડપી સહાય યોજના છે જેનો લાભ રાજ્યના ખેડૂત ખાતેદારોને એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર મળે એ એની આગવી ખાસિયત છે. રાજ્યના ખેતરોને નર્મદા જળથી સિંચવાના વ્યાપક આયોજનથી લઇ શૂન્ય વ્યાજ દરે ધિરાણ સુધીની ખેડૂત કલ્યાણ યોજનાઓની તેમણે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર હાલમાં દેશમાં સહુ થી વધુ ૯.૩ ટકા જેટલો છે અને ગુજરાતમાં વાર્ષિક ૧ લાખ ૭૦ હજાર કરોડ જેટલું કૃષિ અને ખેત ઉત્પાદન થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રાજ્યમાં ખેતી પર સહુથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતે વાવણીથી લઈને વેચાણ સુધી ખેડૂતોની તકલીફોના સંકલિત ઉકેલનું આયોજન કર્યું છે.

નોંધ લેવી ઘટે કે ગુજરાત સરકારે વિવિધ પ્રકારની કુદરતી આફતોથી ખેતી અને પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની દેશમાં જે પહેલ કરી છે તે દર્શાવે છે કે ખેડૂતોની આવક બમણી કરવી અને કુદરતી વિપદાઓથી પાકને નુકશાન થવાના જોખમો સામે ખેડૂતોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકાર કેટલી સંકલ્પબદ્ધ છે. તેની કડીરૂપે તાજેતરમાં દેશમાં પહેલરૂપ ગણાય તેવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના(એમ.કે.એસ.વાય.) રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો લાભ ખરીફ મોસમમાં રાજ્યના વિવિધ આફતોથી પાકને નુકશાન થવાને લીધે મુશ્કેલીમાં મુકાયેલા તમામ ખેડૂતોને મળવાનો છે. આ યોજનાના લાભાર્થીઓ તરીકે નાના - મોટા, સીમાંત, ફોરેસ્ટ રાઇટ એકટ હેઠળના સનદ ધારક જેવા તમામ ખેડૂતોને યોજનાના ઠરાવેલા માપદંડો પ્રમાણે મળવાપાત્ર રહેશે અને વીમા સુરક્ષા છત્ર જેવી આ યોજનાનો લાભ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ભર્યા વગર વિનામૂલ્યે મળશે. ખેડૂતોને એસ.ડી.આર.એફ. હેઠળ મળવાપાત્ર લાભો યથાવત રહેશે. આ યોજના હેઠળ અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) જેવા જોખમો સામે પાકને નુકશાનનો સમાવેશ નિર્ધારિત માપદંડો પ્રમાણે કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોની સંખ્યા ૨.૨૫ લાખ છે અને વર્તમાન ખરીફ મોસમમાં ખેતીને નુકશાન કરતી કોઈપણ ઘટના પ્રસંગે નિર્ધારિત માપદંડોને સુસંગત આ પૈકી કોઈપણ ખાતેદાર તેના લાભને પાત્ર ઠરશે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય જી.આઈ.ડી.સી.ના ડિરેક્ટર શ્રી પેથાભાઈ આહીર, પ્રમુખશ્રી ગારીયાધાર નગરપાલિકા, ભાવનગર કિસાન મોરચાના પ્રમુખ શ્રી જગદીશભાઈ ભીંગરાડીયા, ગારીયાધાર એ.પી.એમ.સી. ચેરમેન શ્રી ભાવેશભાઈ ગોરડીયા, ઘનશ્યામભાઈ ખૂંટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારીશ્રી વર્મા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કોસાંબી, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ), ચીફ ઓફિસર શ્રી પરમાર સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ ભાવનગર, ઘોઘા, વલ્લભીપુર, ગારીયાધાર, પાલીતાણા, સિહોર અને ઉમરાળા તાલુકાના ખેડૂતભાઈઓ હાજર રહ્યા હતા.