વડીલજનોને કોરોના ચેપથી બચવા આરોગ્યલક્ષી સૂચનોઓ
પાલન કરવા જિલ્લા કલેકટરશ્રીએ કર્યો અનુરોધ
ભાવનગર
વિવિધ કારણોસર વડીલ, વૃદ્ધજનોમાં કૉવિડ-૧૯ એટલે કે કોરોનાના ચેપનો ભોગ બનવાની વધુ શક્યતા રહેલી છે. તેને અનુલક્ષીને ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ વડીલજનોની વિશેષ કાળજી લેવા અને એમને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
વડીલજનોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમાં પણ જો હૃદય, કિડની, ફેફસાં, રક્ત ચાપ કે ડાયાબિટીસ જેવા રોગોથી જે વડીલો પીડિત છે, તેઓને કોરોનાનો ચેપ ઝડપથી અને સહેલાઇથી લાગી શકે છે. એટલે તેઓ જાતે કેટલીક તકેદારીઓ પાળે અને તેમના કુટુંબી તેમની ખાસ કાળજી લે એ હિતાવહ છે.
હાલના સંજોગોમાં વડીલો ઘરમાં જ રહે અને મુલાકાતીઓને ના મળે અને મળવું અનિવાર્ય હોય તો ખૂબ અંતર રાખી મળે, વારંવાર સાબુ અને પાણી થી હાથ ધુવે, ખાંસી સાથે નીકળતા કફના ગળફાથી દૂષિત થયેલા હાથ સાબુ અને પાણીથી બરાબર ધુવે, દૂષિત ટિસ્યુ પેપરનો સલામત રીતે નાશ કરે, હાથ રૂમાલ સાબુથી બરાબર ધુવે, પાણી અને ફળોના રસનું સારા એવા પ્રમાણમાં સેવન કરે, ગરમ, તાજું અને પૌષ્ટિક ભોજન કરે, પ્રમાણસર ધ્યાન અને કસરત કરે, રૂબરૂ ને બદલે ફોન કે વિડિયો કોલ થી વાત કરે, મોતિયા સહિતની હાલમા ચાલી જાય તેમ હોય તેવી સર્જરી મોકૂફ રાખે, વારંવાર હાથ અડતો હોય એવા ટેબલ કે અન્ય સપાટીની વારંવાર સફાઈ અને જંતુમુક્ત કરે, પોતાના આરોગ્યની તકેદારી લે, તાવ, શરદી કે શ્વાસમાં મુશ્કેલી જણાય તો તરત જ ડોકટરની સલાહ લે એવી કલેકટરશ્રી દ્વારા ભલામણ કરવામાં આવી છે.
એની સાથે તાવ અને કફ, ખાંસી-શરદીથી પીડાતા લોકોના સંપર્કથી દૂર રહે, હાલમાં બગીચા કે ભીડભાડ વાળી જગ્યા, ધર્મ સ્થળમા ના જાય, કોઈની સાથે હાથના મિલાવે, જાતે ડોકટર બની કોઈ દવા ના લે અને તબીબની ભલામણ ને જ અનુસરે અને પોતાના તબીબ સાથે નિયમિત સંપર્ક જાળવે એ પ્રકારની તકેદારીઓ પાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.