બાગાયત વિભાગ દ્વારા શાકભાજીના બિયારણો સાથેની બીજ રાખડી
સ્વજનની સાથે સાથે પ્રકૃતિના રક્ષણનો પ્રેરક અભિગમ
ભાવનગર
ભાવનગર બાગાયત વિભાગ દ્વારા આ વર્ષે રક્ષાબંધનની સાથે સાથે લોકો વૃક્ષાબંધન પણ ઉજવે તે માટે નવતર પહેલ કરવામા આવી છે. સ્વજનની સાથે સાથે પ્રકૃતિના રક્ષણનો પ્રેરક અભિગમ રજૂ થયો છે. આ વિભાગ દ્વારા શાકભાજીના બિયારણો સાથેની બીજ રાખડી બનાવાઈ છે.
બાગાયત વિભાગ દ્વારા લોકોમા તહેવારની સાથે સાથે વૃક્ષારોપણ તથા પર્યાવરણ અંગે જાગૃતિ વધે તથા કેનિંગ અને કિચન ગાર્ડનના રસીકોને પણ પ્રોત્સાહન મળે તે માટે રક્ષાબંધન તહેવારના માધ્યમથી વ્યાજબી દરે ઘરે ઘરે શાકભાજીનુ બિયારણ પહોંચાડવાનુ સુંદર આયોજન કરવામા આવ્યુ.
આ માટે બાગાયત વિભાગ દ્વારા પર્યાવરણીય બીજ રાખડીઓ તૈયાર કરવામા આવી અને આ પ્રત્યેક રાખડીઓમા ભીંડો, ગુવાળ, કાકડી, ગલકા, પાલક, કોથમીર, ગાજર વગેરે જેવા જુદાજુદા શાકભાજીના પાંચ પ્રકારના બિયારણો મુકવામા આવ્યા. રાખડીની કિંમત માત્ર પાંચ રૂપિયા નિર્ધારીત કરવામા આવી.અને આ નવતર પહેલને ભાવનગરની જનતા તરફથી પણ બહોળો પ્રતિસાદ સાંપડયો છે.
રક્ષાબંધન થકી વૃક્ષાબંધનના વિચારનો મુખ્ય હેતુ સુંદર ભાત અને મનમોહક કલા કારીગરીથી શોભતી આ રાખડીઓમાથી રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તેમા મુકેલા પાંચ પ્રકારના બીજ કાઢી તેનુ વાવેતર કરવામા આવે અને તેનુ જતન કરવામા આવે તેવો રહેલો છે.
આ રક્ષાબંધનના તહેવારમા આપણે સ્વજનની સાથે સાથે પ્રકૃતિના રક્ષણનો પણ નિર્ધાર કરીએ અને આ તહેવારને વૃક્ષાબંધનની અલગ જ અંદાજની ઉજવણીમા સહભાગી થઈએ.