પોતાના ઘરે, પોતાના પરિવારથી નજીક રહીને પણ કોરોનામુક્ત થઈ શકાય છે
હોમ આઈસોલેશનમાં રહેવા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે રૂ.૪,૫૦૦ મૂલ્યની મેડિકલ કિટ વિનામૂલ્યે ઉપલબ્ધ
ભાવનગર
કોરોના અંગેના સામાન્ય લક્ષણો ધરાવતા ૧૦ થી ૬૦ વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેમને અન્ય કોઈ બીમારી નથી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના હવે પોતાના ઘરે રહીને જ કોરોનાની સારવાર મેળવી શકે છે અને સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ સ્વસ્થ બની શકે છે.
હોમ આઈસોલેશન શા માટે જરૂરી છે તથા તેના ફાયદાઓ શું છે તે અંગે વધુ વિગતો આપતા ભાવનગરના શ્રી બજરંગદાસબાપા આરોગ્ય ધામના ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ તથા ભાવનગર શહેર આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ ડો.દર્શન શુકલ જણાવે છે કે કોરોના પોઝિટિવ દર્દી માટે પૂરતી ઊંઘ તથા માનસિક આનંદ ખૂબ જરૂરી છે. જે તેને તેના ઘરે રહીને મળે તેટલો હોસ્પિટલમાં મળતો નથી તેમજ જાહેર હોસ્પિટલના વાતાવરણમાં વારંવાર ચેપ લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે અને કદાચ તેથી જ ડોક્ટરોના મૃત્યુનું પ્રમાણ કરોનામાં વધુ જોવા મળ્યું છે.
હોમ આઈસોલેશનમા દર્દીને ધરનું હળવાશ ભર્યું વાતાવરણ મળે છે. શુદ્ધ હવા, પાણી તથા ખોરાક મળે છે તેમજ કોરોનાને હરાવવા ખૂબજ મહત્વની બાબત ઊંઘ છે તે પણ પૂરતા પ્રમાણમાં લઈ શકે છે. તાજેતરમાં જ બ્રિટનની ધ સ્લીપ સ્કૂલના એક સંશોધનમાં જણાવાયું છે કે ૭ થી ૮ કલાકની ઊંઘ ટી સેલ્સની કાર્યપ્રણાલીને મજબૂત કરે છે. ટી સેલ્સ એક પ્રકારના શ્વેત રક્તકણ છે. જે વાયરસ પર હુમલો કરી તેનો નાશ કરે છે.
ડો.શુકલ વધુમાં જણાવે છે કે ઘરે સારવાર લેવાથી ધરના સભ્યો ચિંતામુક્ત બને છે અને પરિવારની નજીક રહી દર્દીનું મન પણ પ્રફુલિત રહે છે. ઘરે વારંવાર ગરમ પાણી, ઉકાળા વગેરે લઈ શકાય છે. જેના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે અને તે ઝડપી રિકવરી મેળવે છે.
એક સંશોધન ના આધારે જણાયું છે કે સામાન્ય રીતે૧૦૦ માંથી ૧૦ દર્દીઓ ને સારવાર દરમિયાન I.C.U.ની જરૂર પડી છે. જ્યારે હોમ આઈએસોલેશન મા દર ૧૦૦ દર્દી એ માત્ર ૨ જ દર્દીઓને માત્ર ઓક્સિજન ની જરૂર પડી છે જ્યારે એકપણ દર્દીને I.C.U.ની જરૂર પડી નથી.
હોમ આઈસોલેશન મા રહેતા દર્દીઓને મળતી સુવિધા અંગે ડો.દર્શન શુકલ જણાવે છે કે આ સમયગાળા દરમ્યાન નર્સ દિવસમાં ૩ થી ૫ વખત આરોગ્ય તપાસ કરવા આવે છે તેમજ વિડીયો કોલ મારફતે ટેલિમેડીસીન તથા ફરિયાદ સાંભળી દર્દીને દવાઓ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે અને જરૂર જણાય તો M.D. ડોકટર્સ કે તજજ્ઞ દ્વારા પણ દર્દીની હોમ વિઝીટ કરવામાં આવે છે.જ્યારે ગ્રામીણ અથવા તો નગરપાલિકા વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સરકાર દ્વારા દવાઓ તથા જરૂરી સાધનો સાથેની રૂ. 4,500 ના મૂલ્યની મેડીકલ કીટ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.જેનાં થકી કોરોના અંગેના સામાન્ય લક્ષણો ધરાવતાં છેવાડાના ગામડાનો દર્દી પણ પોતાના ઘરે રહીને જ સરકારશ્રી ની માર્ગદર્શિકાને આધીન કોરોનાની સારવાર લઈ શકે છે.
અહેવાલ : વિરેન્દ્રસિંહ પરમાર