અમરગઢ દવાખાનામાં કોરોના દર્દીઓ

ભાવનગર જિલ્લાના અમરગઢ ખાતેના દવાખાનામાં કોરોના બિમારીના 150 દર્દીઓ દાખલ કરવા તંત્રની કવાયત 

કોરોનાના વધતા દર્દીઓ સામે ખાનગી તબીબોની સેવા લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીરૂપ તૈયારી - 750 પથારીની ઉપલબ્ધી થઈ શકે  

ઈશ્વરિયા           

ભાવનગર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોના બીમારીના દર્દીઓમાં વધારો થતો રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર માટે ચિંતા અને પડકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન જિલ્લાના અમરગઢ - જિંથરી ખાતેના દવાખાનામાં કોરોના બિમારીના 150થી શરુ કરી વધુ દર્દીઓ દાખલ કરવા માટે આવશ્યક સુવિધા ઉભી કરવા તંત્રની કવાયત શરુ રહી છે. અહીંયા 750 પથારીઓની ઉપલબ્ધી થઈ શકે તેમ છે. જિલ્લામાં વધી રહેલા દર્દીઓ સામે અહીંયા ખાનગી તબીબોની સેવા લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીરૂપ તૈયારી કરી લેવાઈ છે. 

જિલ્લા સમાહર્તા શ્રી ગૌરાંગ મકવાણાએ આ અંગે જણાવ્યા મુજબ અમરગઢ ખાતે આગોતરી તૈયારી માટે હાલમાં 150 પથારીઓની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. અહીંયા જરૂરી પ્રાણવાયુ તેમજ સંબંધિત સામગ્રીની તેમજ આ દવાખાનામાં કોરોના સંબંધિત તબીબી સુવિધા માટે અહેવાલો તૈયાર કરાયા છે, એટલે કે જરૂર પડે તરત જ દર્દીઓને ત્યાં દાખલ કરાવવા શરૂ થશે. જોકે તેમને કહ્યું કે અહીંયા બધા દર્દીઓની સારવારમાં પૂરતા સરકારી તબીબો કે કર્મચારીઓ ફાળવવા શક્ય નથી, કારણ કે સરકારી દવાખાનાઓમાં પણ કોરોના અને અન્ય દર્દીઓ રહેલા હોય છે. આથી ખાનગી સ્વૈચ્છીક તબીબોની વ્યવસ્થા થઈ રહી છે. તેમને જણાવ્યા મુજબ ભારતીય તબીબી સંગઠન એટલે કે આઈ.એમ.એ. ભાવનગર દ્વારા સારવાર માટે સહયોગ અપાશે. 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેના તબીબી અધિકારીઓ પણ કોરોના અને સંબંધિત રોગ સામે ખુબ સચેત રહ્યા છે. અમરગઢ ખાતેની આ વ્યવસ્થા માટે સિહોર પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી નિનામા, ફરજ પરના તાલુકા વિકાસ અધિકાર શ્રી ચાંપરાજભાઈ ઉલવા સાથે સિહોર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી જયેશ વંકાણી અને આરોગ્ય અધિકારી શ્રી મનસ્વિની માલવિયા સાથે નિરીક્ષક શ્રી અનિલ પંડિત દ્વારા ગયા પખવાડિયે વિસ્તૃત ચકાસણી કરી સ્થળ સંબંધિત અહેવાલ જિલ્લા તંત્રને મોકલી દેવાયેલ છે. 

તાલુકા આરોગ્ય તંત્રના અહેવાલ મુજબ અમરગઢ ખાતે દવાખાનાના 12 વિભાગોમાં 350 પથારીઓ રહેલી છે, જે પૈકી 175 પથારી લગભગ એકદમ તૈયાર છે. અહીંયા દવાખાનાના ઉપર નીચે મળીને 53 ઓરડા છે. આ ઉપરાંત છાત્રાલયના 175 ઓરડા ઉપયોગમાં લઈ શકાય તેમ છે. અહીંયા દર્દીઓ માટે આપાતકાલીન સારવાર માટે પણ કેટલીક સુવિધાઓ ઉલબ્ધ છે જ. આમ આગમચેતીરૂપ તૈયારીઓ માટે તંત્રની કવાયત રહેલી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરુણ બરનવાલ પણ જિલ્લા સમાહર્તા અને સંબંધિત અધિકારીઓ સાથે ગયા મહિને અમરગઢ મુલાકાત લઈ ગયા હતા અને કોરોનાની આપાતકાલીન સ્થિતિ માટે અહીં વ્યવસ્થા હેતુ આરોગ્ય તંત્રને સૂચિત કરેલ હતું. તેઓએ જણાવ્યા મુજબ સંબંધિત સરકારી વહીવટી પ્રક્રિયા પુરી થઈ છે. એટલે જયારે આવશ્યકતા જણાયે દર્દીઓને ત્યાં સારવાર શરૂ કરી દેવાશે. 

જે તબીબો અહીંયા મુખ્ય જવાબદારી સાંભળવા પડકાર જીલ્યો છે, તે આઈ.એ.એમ. સાથે સંકળાયેલા તબીબ શ્રી મનસુખ કાનાણીએ પણ લગભગ દોઢ મહિના પહેલા જ કોરોના મહામારીના સંભવિત દર્દીઓ વધે તો આ દવાખાનામાં રસોડું, જાજરૂ વગેરે સુવિધા ઉપલબ્ધ હોઈ અભિપ્રાય આપ્યો હતો. અહીં આ તબીબી સંગઠન સાથેના પ્રતિષ્ઠિત તબીબો શ્રી દર્શન શુક્લ, શ્રી કેતન પટેલ વગેરે સાથે રહેશે. આ માટે આ દવાખાના અને મહાવિદ્યાલયના સંચાલકો દ્વારા પૂરતો સહયોગ મળી રહયો છે.        

ઉલ્લેખનીય છે કે ભાવનગરના આ તબીબો સ્થાનિક ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ધરતીકંપ, વાવાઝોડું કે અન્ય આપદામાં તરત જ આપાતકાલીન તબીબી સેવા માટે રવાના થઈ જતા હોય છે. કોરોના માટે અમરગઢના પુરા દવાખાના માટે આ તબીબો સારવાર નેતૃત્વ અને જવાબદારી લઈ સમાજ અને તંત્ર માટે આવકાર્ય  ફરજમાં રહ્યા છે. 

કોરોના માટે હવે કુદકેને ભૂસકે વધી રહેલા ચેપ અને દર્દીઓના કારણે ભાવનગર જિલ્લાના અમરગઢ - જિંથરી ખાતે પ્રારંભે 150 દર્દીઓની પથારીઓથી લઈને વધુ સંભવિત સુવિધા મુજબ 750 દર્દીઓની પથારીઓની ઉપલબ્ધી રહેલી છે. જે માટે જિલ્લા તંત્ર વ્યવસ્થા થઈ શકે  છે. જો કે સત્તાવાર રીતે પ્રારંભે 150 પથારી તૈયાર થઈ છે. અધિકારીક અહેવાલ મુજબ 175 સુવિધા રહેલી જ છે, જયારે વિવિધ વિભાગોની 350 થઈ શકે તેમ છે.