રાણપુર ન્યાયાલયના આધુનિક ભવનનું ભૂમિપૂજન

લોકોને ઝડપી ન્યાય મેળવવા માટે બહું દૂર જવુ ન પડે તે માટે તાલુકા કક્ષાએ ન્યાયાલયોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે - ન્યાયાધિશ શ્રી શાસ્ત્રી
રાણપુર ખાતે ન્યાયાલયના આધુનિક ભવનનું ભૂમિપૂજન કરાયું

બોટાદ :
     નવરચિત બોટાદ જિલ્લાના લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરીપાકરૂપે લોકોને ન્યાય મેળવવા જિલ્લા મથક સુધી આવવું ન પડે તે માટે જિલ્લાના તાલુકા મથક ઉપર ન્યાયાલયોના આધુનિક ભવનોનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જે અન્વયે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે અંદાજિત રૂપિયા ૫.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યાયાલયના આધુનિક ભવનનું ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધિશ શ્રી શાસ્ત્રીના હસ્તે અને બોટાદના મુખ્ય જિલ્લા ન્યાયાધિશ શ્રી રાવલ તથા ભાવનગરના મુખ્ય જિલ્લા ન્યાયાધિશ શ્રી બક્ષીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.
     આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં હાઈકોર્ટના ન્યાયાધિશ શ્રી શાસ્ત્રીએ જણાવ્યું હતુ કે, લોકોને ઝડપી ન્યાય મળે અને ન્યાય મેળવવા માટે તેમને બહું દૂર સુધી જવું ન પડે તે માટે આજે તાલુકા કક્ષાએ ન્યાયાલયોની સુવિધા ઉપલબ્ધ બની રહી છે. રાણપુર ખાતે નિર્માણ પામનાર આ આધુનિક ન્યાય મંદિર સાચા અર્થમાં લોકોના ઉત્થાન માટે કાર્યરત રહેશે તેમ જણાવતાં તેમણે આ ભવનમાં આવતા લોકોની સુખાકારીને ધ્યાને લઈ નિર્માણ પામનાર વિવિધ ભૌતિક સુવિધાઓની જાળવણી કરવા પણ અનુરોધ કર્યો હતો.
     આ કાર્યક્રમમાં બોટાદના મુખ્ય જિલ્લા ન્યાયાધિશ શ્રી રાવલે જણાવ્યું હતુ કે, બોટાદ જિલ્લામાં રાણપુર ખાતે અંદાજિત રૂપિયા ૫.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ સીવીલ કોર્ટ બિલ્ડીંગમાં બે કોર્ટ રૂમ, પોસ્ટ ઓફીસ, બેન્ક, એ.ટી.એમ., લેડીઝ અને જેન્ટસ બાર રૂમ, એડવોકેટ ક્લાર્ક રૂમ, સ્ટ્રોંગ રૂમ, ગાર્ડ રૂમ, સમાધાન રૂમ, લીગલ એઈડ ક્લીનીક, કેસ ફાઈલીંગ સેન્ટર, કેન્ટીંગ, સ્ટેનો રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દામાલ રૂમ, કોન્ફરન્સ રૂમ, સરકારી વકીલશ્રીની ઓફીસો, બગીચો, જુદા – જુદા વાહનો માટેના પાર્કીંગ, બાર એસોસીએશન માટે લાયબ્રેરી રૂમ, ઝેરોક્ષ રૂમ ઉપરાંત દરેક ફલોર ઉપર પીવાના પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે.
     આ ભૂમિપૂજન કાર્યક્રમના પ્રારંભમાં રાણપુરના પ્રિન્સીપલ સીવીલ જજ શ્રી માવલંકરે સ્વાગત વિધી તથા રાણપુર બાર એસોસીએશનના પ્રમુખ શ્રી દલવાડીએ આભાર વિધિ કરી હતી.
     આ પ્રસંગે બોટાદ, બરવાળા, રાણપુર અને ધંધુકાના ન્યાયાધિશશ્રીઓ, બાર એસોસીએશનના પ્રમુખ – સભ્યશ્રીઓ, ન્યાય પાલિકાના અધિકારી - કર્મચારીશ્રીઓ અને રાણપુર તથા આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહયાં હતા.