કોરોના બિમારીમાં સણોસરાના કર્મચારીઓ

કોરોના બિમારીમાં પોતાની ફરજ અને માનવતાનો દાખલો બેસાડી રહ્યા છે સણોસરાના કર્મચારીઓ
પારિવારિક મુશ્કેલીમાં પણ આરોગ્ય કેન્દ્રની વિશિષ્ટ સેવા
ઈશ્વરિયા રવિવાર તા.31-05-2020
પોતાની નિયત કામગીરી ઉપરાંત કોરોના બિમારીમાં પોતાની ફરજ અને માનવતાનો દાખલો સણોસરાના આરોગ્ય કર્મચારીઓ બેસાડી રહ્યા છે. પારિવારિક મુશ્કેલીમાં પણ આરોગ્ય કેન્દ્રની વિશિષ્ટ સેવા રહી છે.
કોરોના મહા બિમારી દરમિયાન તબીબી અધિકારી, કર્મચારી તેમજ સાથે રહેલા તમામ દ્વારા પ્રશસ્ય ફરજ જોવા મળી છે. જેમાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ છે.
આ કેન્દ્રના શ્રી હિમ્મતભાઈ ખીમાણીએ જાતે અડકયા વગર હાથ સાફ કરવાનું સેનિટાઈઝર મશીન બનાવ્યું જેને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂનકુમાર બરનવાલે પણ બિરદાવ્યું. આવું એક મશીન આ કેન્દ્રમાં મુકાયું.
વિવિધ ફરજના કર્મચારીઓની વિગત લઈએ તો આરોગ્ય કાર્યકર શ્રી પુષ્પાબેન અગ્રાવત પોતાના માતાનું કોડીનાર અવસાન થતાં પણ જઈ શક્યા નથી તો ઈશ્વરીયામાં ફરજ પરના શ્રી રીનાબેન ભટ્ટ પોતાને નાનો બાબો છે, પણ રજા મૂકી નથી, તેમની સાથે શ્રી જલ્પાબેન વાળા રહ્યા છે. શ્રી અંકિતાબેન રાઠોડને દોઢ વર્ષનો બાબો છે, પણ દવાખાનું પહેલું ગણ્યું છે. ભૂતિયાના શ્રી કૈલાસબેન પરમાર, શ્રી શ્રધ્ધાબેન જોશી, શ્રી નેહાબેન ડાભી તેમજ શ્રી નિષાબેન મારુ સાથે શ્રી જાગૃતિબેન સોલંકી વધારાની ફરજમાં અને આજુબાજુના ગામોના દર્દીઓ માટે કાર્યરત રહ્યા છે.
આ કેન્દ્રના વડા તબીબ શ્રી આશિયાબેન હુનાણીના નેતૃત્વમાં આ આરોગ્ય કર્મચારીઓ કોરોના પરિસ્થિતિમાં ચોવીસ કલાક નિયત ફરજ કામગીરી ઉપરાંત પોતાની માનવતાનો દાખલો બેસાડી રહ્યા છે.
આયુષ વડા તબીબ શ્રી હેતલબેન માવાણી અને સૌ કર્મચારી અડધી રાત્રે પણ દર્દીની કોરોના પરીક્ષણ માટે કાર્યરત રહ્યા.
આ કેન્દ્રના કર્મચારીઓ સ્થાનિક ગામડાઓની કામગીરી ઉપરાંત જિલ્લાના અન્ય સ્થાનો પર તાકીદની જરૂરિયાતમાં પહોંચ્યા છે. આરોગ્ય કાર્યકર શ્રી કીરીટસિંહ ચૌહાણ પત્ની અને નાના બાળકને મળવા જઈ શક્યા નથી. શ્રી ચેતનભાઈ પરમાર વડોદરા જઈ શક્યા નથી. ભાવનગરમાં કોરોનાગ્રસ્ત તકેદારી વિસ્તારોમાં પણ શ્રી માર્કંડભાઈ જોશી, શ્રી વિજયભાઈ ચારણિયા તથા શ્રી ભરતભાઈ પંડ્યા પંદર પંદર દિવસ ફરજમાં રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની નાકાબંધી સ્થાન પર આરોગ્ય કર્મચારીઓએ કેટલાયે પ્રવાસીઓની આરોગ્ય ચકાસણી કરી છે. દવાખાના પર શ્રી જાગૃતિબેન સોલંકીએ પણ દર્દીઓની તકેદારી રાખી. અહીં શ્રી વિક્રમભાઈ સાંબડ સાથમાં રહ્યા.
આ દવાખાનાની ગાડીના ચાલક શ્રી ભરતભાઈ લુણીએ ડર વગર સિહોરના કોરોના દર્દીને ભાવનગર પહોંચાડ્યા હતા. આમ, આમાંના કેટલાયે કર્મચારીઓએ પોતાની પારિવારિક મુશ્કેલીઓ છતાં કોરોના સામે સૌને સાજા રાખવા તેમજ પોતાના કૌશલ્ય માટે પ્રશસ્ય સેવા કાર્ય કરી રહ્યા છે.