સિહોરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અપમાનની ઘટનાથી રોષ
કોઈ શખ્સો માથા પર ડોલ ઢાંકી દારૂની બાટલી મૂકી ગયા
સિહોર સોમવાર તા.13-07-2020
સિહોરમાં મુખ્ય ડેલા પાસેના આંબેડકર ચોકમાં રહેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અપમાનની ઘટના બનતા દલિત સમાજ સહીત શહેરમાં રોષની લાગણી જન્મી છે. અહીંયા પ્રતિમાના માથા ઉપર કોઈ શખ્સો ડોલ ઢાંકી દઈ દારૂની બાટલી મૂકી ગયા હતા.
આજે સવારે ધ્યાને આવેલી બાબત મુજબ સિહોરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અપમાનજનક વર્તનની ઘટના બની છે, આ અંગે પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અહીંના મુખ્ય ડેલા પાસેના આંબેડકર ચોકમાં રહેલ બાબાસાહેબની પ્રતિમા ઉપર કોઈ શખસોએ માથાના ભાગ ઉપર ડોલ ઢાંકી દીધી હતી અને વિદેશી પ્રકારના દારૂની બાટલી બાજુમાં મૂકી દીધી હતી.
આ સમગ્ર ઘટનાથી દલિત સમાજ સહીત શહેરમાં આવું કૃત્ય કરનાર સામે રોશની લાગણી જન્મી છે.
ગત રાત્રિથી વહેલી સવાર સુધીમાં કોઈ શખસોએ કરેલા કૃત્યથી દલિત સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને તાત્કાલિક આવું કૃત્ય કરનારને પકડી પાડવા માંગ કરી રહ્યા હતા. આ બનાવના પગલે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. સિહોરમાં આંબેડકર ચોકમાં પોલીસ દ્વારા પૂરતી તકેદારી ગોઠવી દેવામાં આવી છે.