આયુષ ગ્રામ - ઢસા

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાદુંના અધ્યક્ષસ્થાને

રાષ્ટ્રીય આયુષ મિશન અનુદાનિત "આયુષ ગ્રામ - ઢસા ગામ" કાર્યક્રમ યોજાયો

બોટાદ

          રાષ્ટ્રીય આયુષ મિશન અનુદાનિત નિયામકશ્રી, આયુષ કચેરી પ્રેરીત બોટાદ જિલ્લા આયુર્વેદ શાખા દ્વ્રારા ઢસા ગામ ખાતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સાદુંના અધ્યક્ષસ્થાને "આયુષ ગ્રામ - ઢસા ગામ" કાર્યક્રમ યોજાયો હતો.

          આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સાદુંએ ઉપસ્થિત ગ્રામજનોને આયુષ ગ્રામ - ઢસા ગામ કાર્યક્રમ થકી જાણકારી મેળવી વધુમાં વધુ લાભ લેવા અને સહભાગી બનવા તેમજ જિલ્લાના આયુર્વેદ અધિકારીશ્રીઓને પણ આ કાર્ય સફળ બને તે માટે અનુરોધ કર્યો હતો         

          ઢસા ગામ મેડિકલ ઓફિસરશ્રી વાળાએ આયુષ ગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ આયુષ પ્રોજેકટ દ્વ્રારા સંપૂર્ણ ગામનું સર્વે કરવામાં આવશે અને આયુષ ગ્રામ પ્રોજેકટ દ્વ્રારા સંપૂર્ણ રોગોનું નિદાન કરી ગામને સ્વસ્થ બનાવશે તેમજ ઋતુ જન્ય રોગોના નિદાન માટે આયુષ કિટ ઉપયોગી નીવડશે તેમજ વધુમાં  ગ્રામજનોને આ કાર્યમાં સહભાગી બનવા જણાવ્યું હતું.

           બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વર્માએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું તેમજ નોવેલ કોરોના વાયરસથી બચવા માટેના જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

          આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વ્રારા આયુષ કીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા તૈયાર કરવામાં આવેલ આયુર્વેદિક પ્રદર્શન મહાનુભાવોએ તથા ગ્રામજનોએ નિહાળ્યું હતું.

          આ કાર્યક્રમમાં ઔષઘીથી બનાવેલ ઉકાળાનો તેમજ સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનો લાભ ગ્રામજનોએ લીધો હતો.

           આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસંતબેન વાનાણી,  ગઢડા ઇન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બ્રિજેશ રાવલ, આયુર્વેદ ડોક્ટરશ્રીઓ, ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.