અંધજન ધ્વજદિન સપ્તાહ

અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહ ઉજવણી :  ‘બંધ આંખે પ્રગતિ ની પાંખે’ સાંસ્કૃતિક કાર્યક્રમ 

પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાનો કાર્યક્રમ - લાભુભાઈ સોનાણી

ભાવનગર

ભાવનગર શહેરના શ્રીઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહની ઉજવણી પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહનું ઉદ્ઘાટન, પ્રજ્ઞાચક્ષુ બાળકો નો ‘બંધ આંખે પ્રગતિની પાંખે’ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રીકૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રીલાભુભાઇ સોનાણીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુઓનું પુનઃસ્થાપન, શિક્ષણ તેમજ રોજગાર બાબતે સમાજનો હકારાત્મક અભિગમ કેળવાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

લોકોએ પ્રજ્ઞાચક્ષુઓને દયાના ભાવ થી નહીં જોતા તેની અંદરની શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક ક્ષેત્રમાં માત્ર દ્રષ્ટીવાન લોકોનો જ ઇજારો નથી જો યોગ્ય માર્ગદર્શન મળે તો પ્રજ્ઞાચક્ષુઓ પણ પોતાનામાં પડેલી શક્તિઓને ઉજાગર કરી કંઈક નવું કરવા સમર્થ છે.

આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગાયન, વાદન, નૃત્ય, તેમજ નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ કૌવત દર્શાવ્યા હતા જે જોઈ ઉપસ્થિત સૌ કોઇ દંગ રહી ગયા હતા.

આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી શ્રીગીરીશભાઈ શાહને એન.ડી. નેતરવાલા પ્રતિભા એવોર્ડ થી તેમજ શ્રીવિરભદ્રસિંહ ચૌહાણને ડો. કે.આર દોશી કર્મયોગી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કોમલકાંત શર્મા, પીઢ પત્રકાર તથા સંશોધનકર્તા ડો. હરિ દેસાઈ, શ્રીમનહરભાઈ પટેલ, શ્રીબાબુભાઇ રાજપરા, શ્રીરવજીભાઈ પટેલ, શ્રીદેવેનભાઇ શેઠ તેમજ અમિતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીજશુભાઈ કવિ દ્વારા કરવામાં આવ્યું હતું