જાહેરનામું અમલમાં હોવાથી
જાગરણની રાત્રે લોકોને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અનુરોધ
નદી,તળાવ કે દરીયાકિનારે મૂર્તિઓ ન પધરાવવા તથા શોભાયાત્રા તેમજ સરઘસો ન યોજવા તાકીદ
ભાવનગર
કોરોના સંદર્ભે જાહેરનામું અમલમાં હોવાથી જાગરણની રાત્રે લોકોને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ સાથે જ નદી,તળાવ કે દરીયાકિનારે વ્રતોની મૂર્તિઓ ન પધરાવવા તાકીદ કરાઈ છે. ધાર્મિક કે કોઈ શોભાયાત્રા તેમજ સરઘસો ન યોજવા પણ તાકીદ કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં COVID-19 મહામારીની અસરો અને ફેલાવાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારશ્રી દ્વારા UNLOCK-2 માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગુજરાત સરકારશ્રી દ્વારા પણ લોકડાઉનની અમલવારી માટે ગાઇડલાઇન અને માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય અને COVID-19 નું સંક્રમણ અટકે તે માટે અત્રેના જિલ્લામાં તા. ૦૧/૦૭/૨૦૨૦ થી ૩૧/૦૭/૨૦૨૦ ની મુદ્દત સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તથા સરકારશ્રીની UNLOCK-2 માટેની ગાઇડલાઇન અનુસાર નીચે મુજબની પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવેલ છે.
જાહેરનામા મુજબ કોઇપણ ધર્મના કોઇ પ્રકારના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક સંમેલનો કે મેળાવડાઓ જ્યાં લોકોના મોટા પ્રમાણમાં ભેગા થવાની શક્યતા હોય તેવી પ્રવૃતિઓ પ્રતિબંધિત રહેશે. સમગ્ર ભાવનગર જિલ્લામાં રાત્રીના ૧૦-૦૦ કલાકથી સવારના ૦૫-૦૦ કલાક સુધી સંચારબંધી અમલમાં રહેશે.
ઉપર મુજબ જાહેરનામું હાલ અમલમાં છે, જેથી નદી, તળાવો કે દરિયાકિનારે મૂર્તિ વિસર્જન માટે ન જતા ધરના કુંડમાં જ મૂર્તિ વિસર્જન કરવા તેમજ શોભાયાત્રા કે સરઘસો ન યોજવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે. રાત્રીના ૧૦-૦૦ થી સવારના ૫-૦૦ કલાક સુધી કર્ફયુ અમલમાં હોઇ જાગરણની રાત્રે લોકોએ ઘરની બહાર ન નિકળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.