શ્રમિકોને વતન પહોંચાડવાની વ્યવસ્થા

ભાવનગર જિલ્લામાંથી

પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરતુ તંત્ર

ભાવનગર

લોકડાઉનના કારણે ભાવનગર જિલ્લામા અટવાયેલ પરપ્રાંતિય મજુરો તેમજ નાગરીકોને પોતાના વતન પહોંચાડવા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧૩ બસો દ્વારા જરૂરી વ્યવસ્થા કરી ૩૪૧ જેટલા શ્રમિકોને પોતાના વતન પહોંચતા કરવા રવાના કરાવ્યા હતા.

આ અંગેની વધુ વિગતો આપતાં અધિક નિવાસી કલેકટરશ્રી ઉમેશ વ્યાસે જણાવ્યું હતું કે ભાવનગર ગ્રામ્યમાંથી ૭૦ શ્રમિકોને ૩ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન અને ગુરહાનપુર જિલ્લામા પહોંચતા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે ભાવનગર શહેરી વિસ્તારમાથી ૧૦૯ શ્રમિકોને ૪ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ભાંડ જિલ્લામા અને રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામા પહોંચતા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે શિહોર ખાતેથી કુલ ૧૨૧ શ્રમિકોને ૪ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ચીત્રકુટ જિલ્લામા, રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામા અને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ જિલ્લામા પહોંચતા કરાયા હતા. જ્યારે પાલીતાણા ખાતેથી કુલ ૪૧ શ્રમિકોને ૧ ખાનગી બસ વડે રાજસ્થાન રાજ્યના કારોલી જિલ્લામા પહોંચતા કરવાની વ્યવસ્થા કરાઈ હતી.

આમ, અત્યાર સુધી કુલ ૩૪૧ શ્રમિકોને ૧૩ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમા પહોંચતા કરવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુસાફરી કરનારા તમામ શ્રમિકો માટે વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે ફુડ પેકેટ તેમજ પાણીની બોટલની પણ જરૂરી વ્યવસ્થા ઉભી કરી તેમની યોગ્ય કાળજી લેવામા આવી હતી.