સખીમંડળનું લોકસેવાર્થે સાહસ

માસ્કના વિક્રમજનક ઉત્પાદન બાદ 

સખીમંડળનું લોકસેવાર્થે સાહસ : રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઓર્ગેનિક પાઉડરનું ભાવનગર ખાતે વેચાણ 

ભાવનગર 

કોરોના મહામારીના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે નિસર્ગ ઓર્ગેનિક સખી મંડળની બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે ઓર્ગેનિક પાઉડર અને ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે. માસ્કના વિક્રમજનક ઉત્પાદન બાદ સખીમંડળનું લોકસેવાર્થે નવું સાહસ શરુ થઈ રહ્યું છે.

વિશ્વમાં હાહાકાર ફેલાવનાર કોરોના વાયરસ શું છે? તે જાણવું ખૂબ જ જરૂરી છે. આ કોરોના વાયરસ કેટલાક વિષાણુનો સમૂહ છે. જે સ્તનધારી પશુઓ અને પક્ષીઓમાં જોવા મળે છે. આ આર.એન.એ. વાયરસ હોય છે. માનવોમાં તે શ્વસનતંત્રને ડિસ્ટર્બ કરે છે. આ રોગચાળાને અટકાવવા માટે હજી સુધી કોઈ રસી બની શકી નથી.

વિશ્વ સામે ઊભી થયેલી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ઉભા થયેલા ભયંકર સંકટની જ ચર્ચા થઈ રહી છે ત્યારે આપણા ત્યાં કહેવાય છે કે “એવં એવં વિકાર: અપી તરૂન્હા સાધ્યતે સુખમ” એટલે કે બીમારી અને પ્રકોપને શરૂઆતમાં જ ડામી દેવા જોઈએ અને બીજું કે “આરોગ્યં પરમં ભાગ્યં, સ્વાસ્થ્યં સુખં સાધનમ” એટલે કે આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે અને દુનિયામાં બધા સુખનું સાધન સ્વાસ્થ્ય છે અને આ આરોગ્યની જાળવણી માટે દેશી ઉપચાર અને આયુર્વેદનો ઉપયોગ આજના સમયમાં એક આશીર્વાદ સમાન પ્રસ્થાપિત થયેલ છે ત્યારે આવી જ આયુર્વેદિક પાવડર  દવા જેવા કે સરગવાનો પાવડર, બીટનો પાવડર, જુવારા પાવડર, નીમ પાવડર, ફીડલા પાવડર, બાવળ બીજ પાવડર, પપૈયા પાન પાવડર, તકમરીયા, જાંબુ બીજ પાવડર, અશ્વગંધા પાવડર, શતાવરી પાવડર, ચાટ મસાલા જેવી ઓર્ગેનિક ઉત્પાદનથી ઘોઘા તાલુકાના વાવડી ગામના નિસર્ગ ઓર્ગેનિક સખીમંડળની બહેનો દ્વારા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે.

કોરોના મહામારીના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે નિસર્ગ ઓર્ગેનિક સખી મંડળની બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આ ઓર્ગેનિક પાઉડર અને ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે. આમ, આ ગ્રામીણ મહિલાઓ રોજગારીની સાથે સાથે ઉત્તમ આરોગ્ય માટે સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.