લેખક તબીબ શ્રી વીજળીવાળા પરિવાર દ્વારા પિતાની સ્મૃતિમાં સોનગઢના પુસ્તકાલયને રૂ.એક લાખ દાન
ઈશ્વરિયા
સોનગઢના વતની અને લેખક તબીબ શ્રી વીજળીવાળા પરિવાર દ્વારા પિતા શ્રી કાસમભાઈ વીજળીવાળાની સ્મૃતિમાં અહીંના સાર્વજનિક ગાંધી જ્ઞાન મંદિર પુસ્તકાલય કે જ્યાં તેઓએ અભ્યાસ દરમિયાન વાંચન કરેલું ત્યાં રૂ.એક લાખ દાન અર્પણ કર્યું છે.
સોનગઢના ગાંધી જ્ઞાન મંદિર પુસ્તકાલયના વડા શ્રી કરણસિંહ ચુડાસમાએ જણાવ્યા મુજબ આ સંસ્થાને અહીંયા વાંચન કરી સામાજિક પ્રતિષ્ઠા મેળવનાર શ્રી વીજળીવાળા પરિવાર એ ગૌરવરૂપ છે. ભાવનગર સ્થિત લેખક અને તબીબ શ્રી યુનુસભાઇ વીજળીવાળા તથા તેમના બહેન શ્રી શરીફાબેન વીજળીવાળા કે જેઓ સુરતમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈ બહેન સાહિત્ય, લેખન અને શિક્ષણના ક્ષેત્રે સારું પ્રદાન કર્યું છે. શ્રી યુનુસભાઇ વીજળીવાળાએ અહીંના ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરેલો જયારે શ્રી શરીફાબહેન વીજળીવાળાએ અહીંના દયાનંદ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરેલો છે. શરુઆતથીજ અભ્યાસમાં તેજસ્વી રહેલા અને કારકિર્દીમાં પણ પ્રતિષ્ઠા મેળવેલા ભાઈ બહેને અભ્યાસ દરમિયાન આ પુસ્તકાલય વાંચનાલયનો સદુપયોગ કરેલો જેના રૂણના ભાગરૂપે અને પિતા શ્રી કાસમભાઈ વીજળીવાળાની સ્મૃતિમાં રૂ.કે લાખ દાન અર્પણ કર્યું છે.
સોનગઢના આ સાર્વજનિક વાંચનાલયમાં આ દાન પ્રાપ્ત થતા સંસ્થાના વડા શ્રી કરણસિંહ ચુડાસમા અને આગેવાનોએ આભારની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ વાંચનાલયમાં વિવિધ માર્ગદર્શન તાલીમ દ્વારા કેટલાય વિદ્યાર્થી ઉમેદવારો વિવિધ પરીક્ષા અને વ્યવસાય નોકરીમાં લાગેલા છે.