સિહોર
છેલ્લા બે માસથી હવે તબીબોમાં જ ભગવાન દેખાવા માંડ્યા છે. સિહોર તાલુકાના ટાણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબનું સૌએ પુષ્પો વડે અભિવાદન સ્વાગત કર્યું.
વાત એમ છે કે, ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આ તબીબી અધિકારી કુમારી શ્રી મનસ્વિની માલવિયાને એક માસ પહેલા સિહોર તાલુકા આરોગ્ય અધિકારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી.
સિહોરમાં આ માસમાં જ કોરોના બિમારીનો પગપેસારો થયો અને સ્વાભાવિક તાલુકા આરોગ્ય અધિકારીને માટે વધુ ભાર આવ્યો. દિવસ રાત એક થવા માંડ્યા. સિહોર નગરમાં જલુના ચોકમાં તમામ ઘરની તપાસ શરૂ થઈ તો સોનગઢ, સણોસરા, ઉસરડ કે વળી પોતાના ટાણા કેન્દ્ર નીચેના એટલે કે પુરા તાલુકાના ગામોમાં કોરોના તેમજ અન્ય બિમારી માટે ચકાસણી અને જવાબદારી રહેવા માંડી.
કુમારી માલવિયા આરોગ્ય કાર્યકરો, આશા બહેનો, આંગણવાડી અને સરપંચો સાથે સતત કોરોના સામે લડત આપવા અને તકેદારી રાખવા ચેતવવા માંડ્યા. તાલુકાની જવાબદારી 37 દિવસ રહી.
એક માસથી વધુ સમય બાદ ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત ફરજ બજાવવા ગણેશચતુર્થીએ પોગ્યા... પરંતુ ત્યાં તો પોતાના કર્મચારીઓ અને ગ્રામપંચાયત દ્વારા લાગણીસભર અભિવાદન સ્વાગત થયું. ટાણાના અધિકારીએ તાલુકામાં સંવેદના સાથે કામ કરી બતાવ્યાનું સૌને ગૌરવ હતું, હવે ટાણા આવી ગયાનો આનંદ હતો...
આમ, આ મુખ્ય તબીબ કુમારી મનસ્વિની મલાવીયાએ કોરોના દર્દી સાથે કામ કર્યા બાદ પરત આવતા સ્વાગત થયું. તબીબોની માત્ર પ્રશંસા જ નહીં... હવે સૌ પૂજા કરવા માંડ્યા...!