ભાવનગર : શિશુવિહાર સંસ્થા દ્વારા સરકારી શાળાની બાળ પ્રતિભાઓ બહાર લાવવાનુ ભગીરથ કાર્ય
વિદ્યાર્થીઓ ચિત્રકળામાં નિપુણ બને તે માટે અપાતું પ્રોત્સાહન
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળામાં શીશુવિહાર સંસ્થાના શ્રી નાનકભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત આપવામા આવેલ પુસ્તકોના આધારે વાર્તાકથન અને ચિત્ર સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્ર માટે "અતુલ્ય ભારત" વિષય પર કેલેન્ડર તૈયાર કરવામા આવ્યુ છે. આ કેલેન્ડરના નિર્માણ પાછળ સરકારી શાળામા ભણતા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવાનો શુભ હેતુ પણ સમાયેલો છે.
આ માટે સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં દરેક શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવે છે તેમજ આ સ્પર્ધામાંથી બે બાળકો પસંદ કરવામાં આવે છે. આ પસંદ થયેલા બાળકોની શિશુવિહાર સંસ્થા ખાતે સ્પર્ધા યોજવામાં આવે છે જેમાથી કુલ ૨૪ બાળકોને પસંદ કરવામાં આવે છે. આ બાળકોએ શીશુવિહાર સંસ્થામાં આવીને ત્રણ કલાકમાં પોતાનું ચિત્ર સુંદર રીતે બનાવવાનુ રહે છે. શિશુવિહાર નિર્મિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોએ બનાવેલ ૨૪ ચિત્રો માંથી ૧૨ ચિત્ર કેલેન્ડરના દરેક મહિનાના પેજ પર અને બીજા ૧૨ ચિત્ર પહેલા પાના ઉપર એકસાથે પ્રગટ કરવામાં આવે છે. વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તે હેતુ દરેક ચિત્રમાં નીચે બાળકનું નામ અને ફોટો, શાળાનું નામ, માર્ગદર્શકનું નામ પણ મૂકવામાં આવે છે.
આ કેલેન્ડર તથા સ્પર્ધા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ રાવલ તથા શાસનાધિકારી શ્રી યોગેશભાઈ ભટ્ટનું માર્ગદર્શન મળી રહેલ. કેલેન્ડરની પ્રિન્ટિંગ તથા અન્ય કામગીરી શિશુવિહારના કાર્યકર શ્રી હીનાબેન ભટ્ટ અને મિત્રો દ્વારા ઉઠાવવામા આવે છે. બાળકલાકારને ચિત્રકલાનું માર્ગદર્શન શ્રી ડો.અશોકભાઈ પટેલ તથા રમેશભાઈ ગોહેલ દ્વારા પુરૂ પાડવામા આવે છે.
સાચા હિરાની પરખ તો ઝવેરી જ કરી શકે તેમ શિશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગર શહેરની અનેક બાળ પ્રતિભાઓને બહાર લાવી તેમની રૂચી પરત્વે પ્રોત્સાહન પુરૂ પાડવાનુ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રો જોઈ ઘડીભર તો એમ થાય કે આ કોઈ સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નહીં પરંતુ કોઈ નામી ચિત્રકાર દ્વારા બનાવવામા આવેલ પ્રતિકૃતિઓ છે.