કોરોના સંક્રમણ : જરૂરિયાતમંદોને સહારો

કોરોના સંક્રમણ : સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેક સંસ્થાઓ તેમજ લોકો દ્વારા જરૂરિયાતમંદોને સહારો

સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને લોકોનો સહયોગ

ભાવનગર

કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ સાથે સાથે તંત્રને અનેક સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને લોકોનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં જાણે જન જન જાગૃત થયું હોય તેમ અનેક સંસ્થાઓ તેમજ લોકો દ્વારા ગામે ગામ મદદનો હાથ લંબાવાઈ રહ્યો છે.અને જરૂરિયાતમંદોને સહારો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

સિહોરની ભગવાનનું ઘર સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકો તેમજ નિરાધાર વૃદ્ધોને ૨૫૫ થી વધુ આવશ્યક ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરાયું છે. પાલીતાણા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ સિહોરા અને તેમની ટીમ દ્વારા રોજે રોજ કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવતાં ૧૨૦૦ ઉપરાંત પરિવારો તેમજ અને અશક્ત તેમજ નિરાધાર લોકો માટે સવાર સાંજ ના ભોજનની વ્યવસ્થા કરી છે અને જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. માનવસેવા ગૃપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અનાજ તેમજ શાકભાજી કીટ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ સખી મંડળોએ પણ જરૂરિયાતમંદોના ઘેર ઘેર શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

જિલ્લાની સરહદે આવેલ વિવિધ ચેકપોસ્ટ પર આવનારા નાગરિકોની તપાસ માટે થર્મલ ગન ની જરૂરિયાત હોય શહેરના ડો.પારસભાઈ સોલંકી, ડો.રવીન હેમાની, ડો.દિનેશ સવાણી, તેમજ ડો.ધર્મેન્દ્ર પટેલે પોતાની થર્મલ ગન લોકસેવા માટે તંત્રને અર્પણ કરી છે. ભારત અકાદમી સંસ્થા દ્વારા પોતાની ડિજિટલ એપ્લિકેશન થકી થયેલ ૭૦,૭૭૦ ની કમાણી તેમને કોરોના સામેની લડાઈમાં અર્પણ કરી છે.જ્યારે પી.જે ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ સોલંકીએ પોતાના ભંડોળમાંથી સરકારી કર્મચારીઓ માટે ૨૫ હજાર માસ્કની વ્યવસ્થા કરી છે.

અનેક દાતાઓની સાથે સાથે શ્રીમોગલ માં ટ્રસ્ટ ભગુડા વતી રૂ.૧૧ લાખ અને સાહિત્યકાર શ્રીમાયાભાઈ આહિર તરફથી રૂ.૧,૧૧,૧૦૧ મુખ્યમંત્રી રાહત ફંડ માં ફાળો આપવામાં આવ્યો છે.

આ સૌ સંસ્થાઓ તેમજ લોકોનો જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના દ્વારા કરવામાં આવી રહેલ આ પ્રશંશનીય સમાજોપયોગી કામગીરીને બિરદાવી હતી.