રાજ્ય વનવિભાગનો સફળ પ્રયોગ
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા ખડમોર પક્ષીના ઇંડાને સુરક્ષિત કરી ખડમોર પ્રજાતિને બચાવવા કૃત્રિમ સંવર્ધન
ભાવનગર
ગુજરાત રાજયમાં જોવા મળતા બસ્ટાર્ડ કુળના ત્રણ પ્રકારના પક્ષીઓ પૈકી ખડમોર (લેસર (ફલોરીકન) સૌથી નાનુ અને ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. ભાવનગર જિલ્લાના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે ચોમાસાની ઋતુમાં પ્રજનન દરમ્યાન આ પક્ષી જોવા મળે છે. પ્રજનન ઋતુ સિવાયના સમયમાં આ પક્ષી ભાગ્યે જ જોવા મળે છે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષોથી આ પક્ષીની હાજરી નોંધાયેલ છે તેમજ દર વર્ષે પ્રજનન ઋતુમાં તેના વસ્તી અંદાજની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.
ખડમોર પક્ષી IUCN ની યાદી અનુસાર લુપ્ત થતા આ મુખ્ય પક્ષીઓ પૈકીઓનું એક છે. પ્રજનન ઋતુ દરમ્યાન કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને બહારના રેવન્યુ વિસ્તાર તેમજ પડતર ઘાંસીયા મેદાનોમાં ખડમોરની માદા દ્વારા માળો બનાવી ઈંડા મૂકવામાં આવે છે. ખડમોરના સંરક્ષણ અને સંવર્ધનને ધ્યાને લઈ છેલ્લા બે વર્ષથી કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ દ્વારા એક ટીમ બનાવી કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના બહારના વિસ્તારોમાં ખૂબ ચોકસાઈ અને બારીકાઈથી સર્વેની કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી દરમ્યાન ખડમોરની માદા દ્વારા માળાઓ બનાવી મૂકવામાં આવેલ ઈંડા પૈકી મોટાભાગના ઈંડા અસલામત જગ્યાએ તેમજ અસુરક્ષિત હોવાનું છેલ્લા બે વર્ષના અભ્યાસમાં માલૂમ પડેલ છે. આથી તજજ્ઞશ્રીઓને સાથે રાખી સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરતા નક્કી થયેલ કે આ સ્થળ પર રહેલ ઈંડા ખૂબ જ અસુરક્ષિત અને અસલામત હોય, વહેલી તકે તેને બચાવવા માટે જરૂરી પગલા ભરવા અતિ આવશ્યક છે. ત્યારબાદ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે તુરંત જ કૃત્રિમ સંવર્ધન માટેની વ્યવસ્થા ઉભી કરી સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયના પશુ ચિકિત્સકશ્રીની દેખરેખ હેઠળ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના વિસ્તારોમાં રહેલ અસુરક્ષિત માળામાંથી તા.૧૯/૦૭/૨૦૨૦ ના રોજ ઈંડા લઈ કૃત્રિમ સંવર્ધન માટે ઇન્કયુબેટરમાં મૂકવામાં આવેલ, જે પૈકી ત્રણ ઈંડામાંથી તા.૦૪/૦૮/ર૦ર૦ અને તા.૦પ/૦૮/ર૦ર૦ ના રોજ સુરક્ષિત રીતે બચ્ચા બહાર આવેલ અને પશુ ચિકિત્સકશ્રીની સીધી દેખરેખમાં બચ્ચાની સારસંભાળ હાલ કરવામાં આવી રહેલ છે. ત્રણેય બચ્ચાઓ હાલમાં તંદુરસ્ત અને સુરક્ષિત રીતે ઉછરી રહ્યા છે. બચ્ચાને ખુબ સારો ખોરાક આપવામાં આવી રહેલ હોય, તેઓનો વિકાસ પણ સારી રીતે થઈ રહ્યો છે. ત્રણ બચ્ચા પૈકી એક નર અને બે માદા હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાતા તેની ખાત્રી માટે તેઓના નમુના લઈ વેટરનરી ડાયગ્નોસીસ સેન્ટર, હૈદરાબાદ ખાતે મોકલવામાં આવેલ છે. ખડમોરના કૃત્રિમ સંવર્ધનની કામગીરી દેશમાં સૌ પ્રથમવાર અને કદાચ વિશ્વમાં પણ આ કામગીરી સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.
તમામ કાર્ય શ્રી ડી. કે. શર્મા, આઈ.એફ.એસ., અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય; શ્રી શ્યામલ ટીકાદર, આઈ.એફ.એસ., અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય; શ્રી ડી. ટી. વસાવડા, આઈ.એફ.એસ., મુખ્ય વન સંરક્ષકશ્રી વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ; શ્રી વી. .એ રાઠોડ, જી.એફ.એસ. મદદનીશ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ અને શ્રી એમ. એચ. ત્રિવેદી, જી.એફ.એસ., મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ, ભાવનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર કાર્ય દરમ્યાન કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર વન વિભાગ તથા આ કામગીરી માટે રોકવામાં આવેલ બાયોલોજીસ્ટ સહિતના કર્મચારીઓએ તેઓનું ખૂબ જ યોગદાન આપેલ છે.
( અહેવાલ : વિરેન્દ્રસિંહ પરમાર )