ગઢડા બસ સ્ટેશન લોકાર્પણ

રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાનું જતન કરવું

એ દેશના નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે

નવ નિર્મિત ગઢડા બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

બોટાદ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કુલ – ૨૧ બસ સ્ટેશનનું ઈ – લોકાર્પણ કર્યું છે ત્યારે રૂપિયા ૨.૯૩ કરોડના ખર્ચે બનેલ આધુનિક સુવિધાયુક્ત ગઢડા બસ સ્ટેશનનું આજ રોજ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગોપીનાથજી તેમજ સ્વામિનારાયણ ભગવાનના સદા આર્શિવાદ રહ્યા છે તેવી આ પવિત્ર ભૂમિમાં વર્ષોથી લોકોની નવા બસ સ્ટેશનની ઝંખના હતી કે, સુંદર, રમણીય એવું એક આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેશન હોઈ જે આજે રાજ્ય સરકારે પૂરી કરી ૨.૯૩ કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેશન સહિત રાજ્યના કુલ – ૨૧ બસ સ્ટેશનનું ઈ - લોકાર્પણ ભાવનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું છે. રાજ્ય સરકારના સહયોગથી પ્રજાને સારી સુવિધા મળી રહે તે કામ આ નિગમ કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે આ નિગમને સહાય કરવાની નેમ લઈ આધુનિક સુવિધાયુક્ત વ્યવસ્થા કરી છે. બસો સમયસર સ્થળે પહોંચી શકે તે માટે સરકારે રસ્તાઓનું કામ પણ સુવિધા યુક્ત કરી ઠેર ઠેર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાનું જતન કરવું એ એક દેશના નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે, આ નવનિર્મિત બસ સ્ટેશનમાં તેમજ બસમાં ગંદકી ન થાય અને કાયમ સ્વચ્છતા રહે તે જવાબદારી આપણી છે, અધિકારી – કર્મચારીશ્રીઓ તેમજ ઉપસ્થિત તમામ લોકોને આ કાર્યમાં સહભાગી બનવા તેમજ બસોના મહત્વના રૂટ નિયમિત શરૂ રાખવા જણાવ્યું હતું.

આ પ્રસંગે પશુપાલન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પશુપાલનમાં જે ડોકટરોની ઘટ છે તે પણ આગામી સમયમાં ભરતી કરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર જે રીતે લોકોના આરોગ્યની ચિંતા કરી છે તેવી જ રીતે પશુઓના આરોગ્યની ચિંતા કરી છે જેમાં ૧૯૬૨ ડાયલ કરવાથી ગામડે સારવાર થઈ શકે તેનું પણ આયોજન આગામી સમયમાં આ સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ તમામ વિભાગીય ડેપોના અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પૂવ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણી સહિતના અગ્રણિશ્રીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ સ્થળ એ એક ધાર્મિક સ્થળ હોવાના કારણે અહિં ઘણા યાત્રાળુ આવતા હોય છે જેઓ આ બસ સ્ટેશન જોઈ આનંદ અનુભવે તે માટે આ નવ નિર્મિત બસ સ્ટેશનનું જતન કરી કાયમ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. તેમજ બસમાં જે દિવ્યાંગ, બહેનો અને સીનીયર સીટીઝન માટે જે બેઠક ફાળવેલ હોય તેનો લાભ તેઓને મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

વિભાગીય નિયામક્શ્રીએ શાબ્દિક પ્રવચન કરતા ગઢડાના નવ નિર્મિત બસ સ્ટેશન વિશે જણાવ્યું હતું કે, ગઢડા એક ધાર્મિક સ્થળ હોવાથી અહિં હજારો દર્શનાર્થે આવતા લોકોને, આજુબાજુના ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓને આ નવનિર્મિત પામેલ બસ સ્ટેશનનો લાભ મળશે. આ બસ સ્ટેશન ૨૪ કલાક સી.સી.ટીવી કેમેરાથી સજ્જ , મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, મુસાફરો માટે ઠંડા પાણીની પરબ, ઓનલાઈન બુકીંગ તથા પાસ ઈસ્યુ સુવિધા, ટ્રાફિક સ્ટાફ માટે ઓફીસ સુવિધા, કેન્ટીન, સ્ટોલ, દિવ્યાંગો માટે સ્લોપિંગ રેમ્પ, રીલિંગ, ટોઈલેટ, ડ્રાઈવર કંડકટર માટે સુવિધાયુક્ત રેસ્ટ રૂમ, લેડીઝ કંડકટર માટે સુવિધાયુક્ત રેસ્ટ રૂમ, ઈલેકટ્રીક રૂમ, પૂચ્છપરછ કેંદ્ર, પાર્સલ રૂમ, પાર્કિગ વ્યવસ્થા, શૌચાલય સહિતની આધુનિક વ્યવસ્થાથી સજ્જ છે. તેમજ બસોમાં પણ જીપીઆરએસ સીસ્ટમ લગાવવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાણી પુરવઠા મંત્રીશ્રી તેમજ ડેપો મેનેજરશ્રી તથા ગઢડાના રહીશો સાથે વિડિયો કોન્ફરસ દ્વારા બસ સ્ટેશનની સુવિધા વિશે પરિસંવાદ કર્યો હતો અને આ બસ સ્ટેશનને સાચવી – સ્વચ્છ રાખી તેનું જતન કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે આભાર વિધિ ગઢડા ડેપો મેનેજરશ્રી રામદેવસિંહએ કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી મુકેશભાઈ, દુધ ઉત્પાદક સંઘના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારી, એપીએમસીના ચેરમેનશ્રી કીરીટભાઈ, ગઢડા મામલતદારશ્રી, આરટીઓ ઈન્સ્પેકટરશ્રી, પશુપાલન અધિકારીશ્રી તેમજ અગ્રણી સર્વશ્રી પ્રભાતભાઈ યાદવ, વિજયભાઈ, રાજુભાઈ, હરેશભાઈ, ઘનશ્યામભાઈ, ડેપોના અધિકારી – કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.