ભાવનગર પ્રજાસતાક પર્વ

ભાવનગર ખાતે પ્રજાસતાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી 

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી

ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી. જેમાં  પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા ત્રિરંગાને વંદન કરી સલામી અપાઇ હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવા તમામ દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. એમના થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ.દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરાકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.

મંત્રીશ્રીએ આ પ્રસંગે બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમોને બિરદાવ્યા હતા.તેમજ જિલ્લા વહીવટી તંત્રને રાષ્ટ્રીય પર્વના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી દ્વારા વિવિધ વિભાગોના વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયુ હતુ ત્યારબાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેકટર શ્રી ઉમેશ વ્યાસ, મદદનીશ કલેક્ટર શ્રીમતી પુષ્પલત્તા બહેન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા, મહાશાળાના શિક્ષકો, વિધાર્થીઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલભાઈ રાવલે કર્યુ હતુ.