વાવાઝોડાની સંભાવના - પૂર્વ આયોજન

આગામી તા.૨ થી તા.૬ દરમિયાન 'નિસર્ગ' વાવાઝોડાની સંભાવના

ભાવનગર જિલ્લામા વાવાઝોડાથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પૂર્વ આયોજન

ભાવનગર
ભાવનગર જિલ્લામા આગામી તા.૨ થી તા.૬ દરમિયાન 'નિસર્ગ' વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી કોઈ જાનમાલનું નુકસાન કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે 
પૂર્વ આયોજનના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામા આવી રહ્યા છે.

પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લાકક્ષાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિગતવાર સૂચના અપાઈ હતી તેમજ તમામ વિભાગોને જરૂરી કર્મચારીઓ આવશ્યક બચાવ  યંત્ર સામગ્રી સાથે કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા. 
સંભવિત વાવાઝોડા, ભારે વરસાદની પૂર્વ તૈયારી માટે તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફીસરશ્રીઓની તા.૨૬/૦૫/૨૦૨૦ તેમજ આજરોજ પણ વિડીયો કોન્ફરન્સ યોજી સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને કામગીરીનું વ્યવસ્થાપન કરવા જણાવવામાં આવેલ અને સંબંધિત કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ.
જિલ્લા/તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવી રાહત બચાવના સાઘનો જેવા કે જનરેટર સેટ, લાઇફ બોય, લાઇફ જેકેટ્સ તૈયાર કરાયા છે.
ભાવનગર, મહુવા, ઘોઘા તેમજ તળાજા તાલુકાના નીચાણવાળા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત ૩૪ ગામોમાં તાલુકા કક્ષાની ટુકડીઓ  દ્વારા ગામોની મુલાકાત લઈ સ્થાનિક સરપંચ, તલાટી - મંત્રી, રેશનશોપ ડીલર, એમ.ડી.એમ. સંચાલક, આપદા મિત્ર અને ગ્રામસેવક સાથે રાખી પરિસ્થિતીને પહોંચી વળવા માટે અવગત કરવામાં આવેલ. જી.એસ.ડી.એમ.એ. દ્વારા અમલી આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પામેલ કુલ ૧૪૦ આપદામિત્રો (તાલુકા દીઠ:૧૨ અને મહાનગરપાલિકા વિસ્તારના ૨૦) મુકવામાં આવેલ છે.
આગામી તા.૨ થી તા.૬ દરમિયાન 'નિસર્ગ' વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ચારેય તાલુકા માટે વર્ગ-૧ના અધિકારીશ્રીની લાયઝનીંગ અધિકારીશ્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હાલ જિલ્લાના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં COVID-19 અંતર્ગત કોરોન્ટાઈન ફેસેલીટી રાખવામાં આવેલ નથી. બચાવ અને રાહત ટીમો માટે જરૂરીયાત મુજબની ૨૦૦ પી.પી.ઇ. કીટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક, સેનિટાઇઝર્સ અનામત રાખવામાં આવ્યા છે. ડી.જી. સેટ્સ, ક્રેન, જીવન બચાવ નૌકાઓ, મોબાઇલ, મોબાઇલ ટાવરોની ઉપલબ્ધી માટેની યાદી તૈયાર કરવામાં આવી છે. 
રેઈન ગેજ ચાલુ હાલતમાં હોવાની પુન: ચકાસણી તેમજ રેઈન ગેજના લોકેશન લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ માછીમારો દરિયામાં નથી તેમજ માછીમારો દરિયો ખેડે નહીં તેની તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ અને ફીશરીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સતત નિરીક્ષણ શરૂ છે. સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રહેલ કુલ ૧૬૮ સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરી તેમને ફેરવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સંસ્થાઓ તેમજ પ્રતિષ્ઠિત દાતાઓની યાદી થઈ છે.  છે.  ભાવનગર ૧૩, ઘોઘા ૨૪, મહુવા ૧૬ અને તળાજા ૧૦ મળી કુલ ૬૩ એન.જી.ઓ/દાતાઓની યાદી તંત્ર દ્વારા મદદરૂપ થવા તૈયાર કરવામાં આવેલ છે.