જનજાગૃતિનું બીડું

ભાવનગર જિલ્લાના ૭૫૦૦ શિક્ષકોએ ઝડપ્યુ જનજાગૃતિનું બીડું

લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવાનુ કાર્ય કરી રહ્યા છે શિક્ષકો

ભાવનગર

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેથી જિલ્લાની તમામ શાળાઓમાં હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ બચેલા સમયને લોકસેવામાં ખર્ચવાનો ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને જિલ્લાના આશરે ૭૫૦૦ શિક્ષક ભાઈઓ બહેનોએ સહર્ષ સ્વીકારી અભિયાનના ભાગરૂપે જનજાગૃતીની કામગીરી હાથ ધરી છે અને આ તમામ પ્રાથમિક શિક્ષકોએ લોકો સુધી કોરોના અંગે વધુમાં વધુ જાણકારી પહોંચે અને લોકો ખોટી અફવાઓથી બચે તે માટે જિલ્લાના લગભગ ૧૫ લાખ લોકોને જાગૃત કરવાનું બીડું પોતાના શિરે લીધું છે

જિલ્લાના તમામ શિક્ષકો હાલ પોતે જે ગામોમાં ફરજો બજાવી રહ્યા છે તે સ્થળે કોરોના વાયરસ અંગે ડોર ટુ ડોર કેમ્પેઇન હાથ ધરી લોકોના ઘર સુધી જઈ,રોડ પર આવતા જતા વાહન ચાલકોને પત્રિકાઓ વહેચી તેમજ જાહેર સ્થળોએ પોસ્ટર તેમજ પત્રિકાઓ લગાવી લોકોને કોરોના અંગે માહિતગાર કરવાનું કાર્ય પૂરજોશમાં સમગ્ર જિલ્લામાં કરી રહ્યા છે તેમજ કોરોના અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોરોના અંગે રાખવાની સાવચેતી અંગે વિસ્તૃત સમજ તેમજ માહિતી આપવાનું પ્રશંસનીય કાર્ય પણ કરી રહ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અપીલથી શિક્ષકોએ આ લોક સેવા તેમજ દેશ સેવાનું કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક ઝુંબેશના ભાગરૂપે ઉપાડી લીધેલ છે. શિક્ષકો દ્વારા સ્વખર્ચે કોરોના વાઇરસ અંગે શું કરવું અને શું ન કરવું તેવી વિગતો દર્શાવતી પત્રિકાઓ છપાવવામા આવી છે અને ગામે ગામ લાઉડ સ્પીકર દ્વારા પણ લોકજાગૃતિ લાવવાનો ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં આરોગ્ય વિભાગ સિવાયના કોઇ અન્ય વિભાગમાં કામ કરતા હોય તેવા કર્મચારીઓના મંડળ દ્વારા આવા કપરા સમયમાં જનજાગૃતિનું કાર્ય હાથ ધર્યું હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હશે.

જિલ્લાના શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલ લોકહિતના આ કાર્યને સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલે અભિનંદન પાઠવી બિરદાવ્યું છે.