ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
રાજયમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી
ભાવનગર
ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતીને બમણા વેગથી આગળ ધપાવી રહ્યા છે. રામ જન્મભુમિ મંદીર શિલાન્યાસ થકી આજે સૌ ભારતવાસી અનેરા સંતોષની લાગણી અનુભવી રહ્યા છે તેમજ કલમ ૩૭૦ની નાબુદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમા એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મુર્તિમંત થઈ શક્યુ છે. કોરોના મહામારીમા વડાપ્રધાનશ્રીના દુરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ સાષ્ટ્રના વિકાસને પુન: ગતીવાન કરવા જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયેલ છે. રાજ્ય સરકારે કોરોના મહામારીમા લોકોનુ સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી ધન્વંતરી રથ, ડોર ટુ ડોર સર્વેલન્સ, ઉકાળા, સંશમની વટી તથા હોમિયોપેથિક દવાઓનુ બહોળા પ્રમાણમા વિતરણ કર્યુ છે તેમજ લોકોને ભરણપોષણ અંગેની કોઈ મુશ્કેલી ન પડે તે માટે P.M.G.K.Y., અન્નબ્રહ્મ તથા આત્મનિર્ભર યોજના હેઠળ લોકો વિનામૂલ્યે અનાજ તથા રાશન પહોંચતુ કરવામા આવ્યુ છે. કોરોનાના કપરા કાળમાં પણ સરકારે શિક્ષણ, જળ સંચય, પશુપાલન, કૃષિ, માર્ગ અને મકાન, કુપોષણ નાબુદી, પરિવહન સહિતના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી હાથ ધરી લોકસેવાની આહલેક જગાવી છે.
આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલિસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી તેમજ હર્ષ ધ્વનિ કરાઈ હતી.
આ પ્રસંગે માન. મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાના કોરોના વોરીયર્સ, અગ્રણી સ્વયં સેવકો, મહેસુલ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીશ્રીઓની પ્રશંસનિય સેવાને સન્માનિત કરી બિરદાવી હતી.
ધ્વજવંદન બાદ માન. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યુ હતુ. પરેડની કમાંડ શ્રી રીના રાઠવાએ સંભાળી હતી. કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી મર્યાદિત સંખ્યામા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકા કમિશનરશ્રી નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષ શ્રી જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેકટર શ્રી ઉમેશ વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઠાકર, શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, સહિત જિલ્લાની સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.