વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી : ઘોઘા-ભાવનગર ખાતે શિક્ષણમંત્રી શ્રી, શિક્ષણ રાજયમંત્રી શ્રી સાંસદ શ્રીની પ્રેરક ઉપસ્થિતિ
ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રિય શિપિંગ મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ સુરત-હજીરા ખાતે ઉપસ્થિત રહી રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આજનો દિવસ ફક્ત ભાવનગર જિલ્લાના નાગરિકો માટે નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરતીજનોને દિવાળીની ભેટ છે.
રો-પેક્સ ફેરી સર્વિસ થકી રાજ્ય પરિવહન ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત થશે તેમ જણાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ સર્વિસ થકી રાજ્યમાં પરિવહન ક્ષેત્રનો સર્વાંગી, સમતોલ અને સંપૂર્ણ વિકાસ થશે.
હજીરા ઘોઘા રો-પેકસ ફેરી સર્વિસ દ્વારા ભાવનગર થી સુરત હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગોમાં રોજગારી રળતા સૌરાષ્ટ્રજનો માટે આ સુવિધા પરિવહન સુખાકારીમાં વધારો કરશે તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું.
શ્રી ચુડાસમાએ કહ્યું કે રો-પેકસ ફેરી સર્વિસના કારણે પરિવહનના અંતર ઘટવાથી સમયની સાથે ઇંધણની પણ બચત થશે, પર્યાવરણની શુદ્ધિ થશે. આ બચત ઉદ્યોગકારોને આર્થિક ઉપજના અન્ય ક્ષેત્રે સશક્ત બનાવશે.
તેઓએ ઉમેર્યુ કે, રો-પેકસ ફેરી સર્વિસના કારણે સુરત અને ભાવનગરનાં લોકોમાં કારોબારની સુમેળભરી આપ-લે થશે જેના થકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોનું જીવનધોરણ ઉંચુ આવશે.
શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારથી બહુઆયામી વિકાસ ચોપડીમાંથી વ્યવહારમાં આવ્યો છે. તેઓએ ઉમેર્યુ કે, ૨૫ વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અમદાવાદથી વાપી સુધી સીમિત હતો. પરંતુ નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઇ આજ દિન સુધી આ વિકાસ સમગ્ર રાજ્યમાં શક્ય બન્યો છે.
શિક્ષણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ કહ્યું કે, આજે વાહનવ્યવહાર ક્ષેત્રે રોડ પરિવહનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો કે રોડ પરિવહન એ વધતો ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યા ધરાવે છે. આથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'ઉડાન' યોજના થકી હવાઈમાર્ગે પરિવહનનો ઉપયોગ વધાર્યો અને ત્યારબાદ જળપરિવહનની દિશામાં વડાપ્રધાને દેશમાં વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરાવી.
રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઘોઘા દહેજ રો-રો ફેરીની શરૂઆત બાદ ઘોઘા હજીરા પણ દરિયાઈ માર્ગે જોડાય તેવી માગણી ઊઠી હતી જે આજે પૂર્ણ થઇ છે. ભાવનગરથી સુરતનું ૧૨ કલાકનું રોડ પરિવહન ઘોઘા હજીરા રો-પેક્સ ફેરીથી ૪ કલાકમાં પૂરું થશે. રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આર્ષદૃષ્ટા છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીથી ઇન્ટરસિટી કનેક્ટિવિટી શક્ય બની છે. આવનારા વર્ષોમાં ઘોઘા પોર્ટ આંતરરાજ્ય (ઇન્ટરસ્ટેટ) અને આંતરરાષ્ટ્રીય (ઈન્ટરનેશનલ) જળમાર્ગીય પરિવહનનું કેન્દ્ર બનશે. તેઓએ જણાવ્યું કે, ગત ૩૧ ઓક્ટોબરે એક જ દિવસમાં વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગિયારસો કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ થકી ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રની વિકાસગતિ તેજ બની છે.
સાંસદ શ્રીમતી ભારતીબેને કહ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ-વધતુ તાપમાન, હિમશિખરોનું પિગળવું અને વાયુ પ્રદૂષણ આજે વિશ્વ સામે મોટા પડકારો છે. રોડમાર્ગીય પરિવહન-વાહન વ્યવહારને કારણે ફેલાતું પ્રદુષણ અનેક પ્રશ્નો લઈને આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ બાબતે ચિંતા કરી છે. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો અને વિશાળ સમુદ્ર મળ્યો છે. કુદરતી સંપદાનો જનકલ્યાણ અર્થે ઉપયોગ થાય, જળમાર્ગીય પરિવહન થકી રોડમાર્ગીય પરિવહન પરનું ભારણ ઘટે અને પ્રદૂષણ ઓછું થાય તેનો વિચાર હંમેશા વડાપ્રધાનશ્રી કરતા આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેઓએ કહ્યું કે, આધુનિક પડકારોના ઉકેલ માટે પરંપરાગત વિચારોથી ઉપર ઉઠી નવીનતમ પ્રકલ્પો સાથે આગળ આવવું અનિવાર્ય છે. આથી જ વડાપ્રધાનશ્રીએ હંમેશા વોટર કનેક્ટિવિટી પર ભાર આપ્યો છે. સૌરાષ્ટ્રને અન્ય વિસ્તાર સાથે સમુદ્રી માર્ગે જોડવા માટે ઘોઘા પોર્ટ સર્વશ્રેષ્ઠ છે.
સાંસદશ્રીએ કહ્યું કે, 'લંકાની લાડી અને ઘોઘાનો વર' કહેવત ઘોઘા બંદર દેશ-વિદેશ સાથે દરિયાઇ માર્ગે વર્ષોથી જોડાયેલું હોવાનો સૂચિતાર્થ કરે છે. ટ્રાફીક ભારણમાં ઘટાડો, ઈંધણની બચત અને પર્યાવરણને લાભ જેવા અને ફાયદાઓ લઈને આ રો-પેક્સ ફેરી ભાવનગરના આંગણે આવી છે. વડાપ્રધાનશ્રીએ સુરત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડીને સમગ્ર ગુજરાતને દિવાળીની અનમોલ ભેટ આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દિશા સૂચનને કારણે સુરત અને સૌરાષ્ટ્રને જોડતી રો-પેક્સ સેવા ગુજરાતને મળી છે.
સાંસદ શ્રીમતી ભારતીબેને કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાના રો-પેક્સ ફેરી કાર્યાન્વિત કરવા માટેના પરિશ્રમનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી આર.સી.મકવાણા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર શ્રી મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વકતુબહેન મકવાણા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.