કોરોના ભાવનગર મુખ્યમંત્રી

કોરોના માટે લડાઈ લાંબી છે, ગભરાવાની નહિ પણ સાવચેતી જરૂરી છે - મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
ભાવનગરમાં પત્રકાર પરિષદમાં સરકારી દવાખાનામાં ઘોર બેદરકારીની ફરિયાદ

ભાવનગર  ( મૂકેશ પંડિત)
     ભાવનગરમાં કોરોના બિમારી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિએ યોજેલી સમિક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં કોરોના સંબંધિત ચર્ચામાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે હાલ કોઈ દવા ઉપલબ્ધ ન હોઈ કોરોના માટેની લડાઈ લાંબી છે. જોકે ગભરાવાની નહિ પણ સાવચેતીની જરૂર છે. 

     જિલ્લા સમાહર્તા કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં કોરોના બિમારી અને તેના પગલાં સંદર્ભે વિષદ ચર્ચાઓ થઈ હતી. આ બેઠક સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અહીંના સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે દરકાર રખાતી ન હોવાની ફરિયાદ થઈ હતી. મુખ્યમંત્રીને આ સરકારી દવાખાનામાં ઘોર બેદરકારી અંગેની રજૂઆત થતા આ અંગે કડક પગલાં ભરાશે તેવું આશ્વાસન અપાયું હતું.
     મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે,  સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણ રહેલું છે, જે કોઈ સરકાર જ અટકાવી શકે તેમ નથી. સરકાર બે કામ કરી શકે છે, જેમાં એક સંક્રમણ સામે નીતિ નિયમો વડે લોકજાગૃતિ ઉભી કરી અને  રોગપ્રતિકારક શક્તિ માટે કેળવી શકે અને બીજું સંક્રમિત દર્દીઓને દવાખાનામાં ખસેડી સારવાર વ્યવસ્થા કરી શકે.
     ગુજરાતમાં હાલ આ બિમારી નિયંત્રણમાં હોવાનું જણાવી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું કે, આ બિમારી સાજા થવાની બાબતમાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યો કરતા અત્યારે આગળ છે. જો કે આ કોઈ સ્પર્ધાની બાબત નથી. મૃત્યુ દર 7 % હતો જે આજે 3.5% થયો છે, તેમ તેઓએ ઉમેર્યું. ગુજરાત સરકારના ધન્વંતરિ રથ વગેરે આયોજનને સર્વોચ્ચ અદાલતે બિરદાવી અન્ય રાજ્યોની પણ તે મુજબ અનુસરવા જણાવ્યું છે. ગુજરાતની કોરોના સંબંધિત સારવાર માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ પ્રશંસા કરી છે. ભારતીય પ્રબંધન સંસ્થા દ્વારા પણ આ કામગીરીને બિરદાવાઈ છે, તેમ તેઓએ કહ્યું. મુખ્યમંત્રી શ્રીએ ભાવનગરમાં કોરોના બિમારી એકંદરે નિયંત્રણમાં રહ્યાનું જણાવી આ માટે ગભરાવાની જરૂર નથી, સાવચેતીની જરૂર હોવા પર ભાર મૂક્યો.
     અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સર્જાયેલી દુર્ઘટના સંદર્ભે ભાવનગરમાં કેટલા દવાખાનામાં સલામતીની માન્યતા અપાયેલી છે, તેવા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તમામ દવાખાનાઓ માટે સલામતી વ્યવસ્થા અને માન્યતા તપાસ માટેના આદેશ અપાયા છે અને તેમાં ખામી જણાયે કોઈ પણને છોડવામાં આવશે નહિ.
     ભાવનગર જિલ્લામાં અમરગઢ જિંથરી ખાતેના દવાખાનામાં કોરોના સારવાર માટે તૈયારી થયા બાદ કામ અટકી પડ્યું, આ દવાખાનાના સંચાલકોની સરકાર સાથે કોઈ શરતો હતી ? આ અને શ્રી રૂપાણીએ કહ્યું કે કોઈ શરત નથી, હાલમાં તે આ બિમારી માટે અનામત વ્યવસ્થા રાખી છે, જરૂર પડે ત્યારે ત્યાં સારવાર શરૂ થશે. આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આ બિમારી માટે ખાનગી દવાખાના તેમજ ભારતીય તબીબી પરિષદ દ્વારા સહયોગ મળી રહ્યાનો પણ મુખ્યમંત્રી શ્રીએ ઉલ્લેખ કર્યો.
     ભાવનગર ખાતેની મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમિક્ષા બેઠકમાં રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે, સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી મનહરભાઈ મોરી,  રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા પ્રતિનિધિ અધિકારી શ્રી સોનલ મિશ્રા, જિલ્લા સમાહર્તા  શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકા આયુક્ત  શ્રી ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ જોડાયા હતા.