ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલ

સાહિત્ય, કલા અને સંસ્‍કાર પ્રાપ્‍તિની વિશાળતાનું ફલક વિસ્‍તારવાની પ્રતિબધ્‍ધતા

રાજ્યમા યોજાતા ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલને

રાજ્ય સરકાર  પ્રોત્‍સાહિત કરશેઃ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

        મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાહિત્ય, કલા સંસ્‍કૃતિની ગૌરવપૂર્ણ વિરાસતનો વિકાસ વધુ ઉજ્જવળ બનાવી સંસ્‍કાર પ્રાપ્‍તિ અને વિચારોની વિશાળતાનું ફલક વિસ્‍તારવાની રાજ્ય સરકારની પ્રતિબધ્‍ધતા દર્શાવી છે.

        આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં યોજાતા ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલને રાજ્ય સરકાર સહયોગ આપીને પ્રોત્‍સાહિત કરશે.

        મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલમાં ઉપસ્‍થિત સાહિત્‍ય રસિકો, યુવા સાહિત્‍ય સર્જકો અને લબ્‍ધપ્રતિષ્‍ઠિત સાહિત્‍યકારો- લેખકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

        મુખ્‍ય મંત્રીશ્રીએ કહ્યું કે, સાહિત્ય એ એવી વસ્‍તુ છે જો એનો વારસો નહીં જળવાય તો આપણે અસ્‍મિતા ભૂલી જઇશું. સ્‍વાધ્‍યાય સાહિત્‍યનું વાંચન  જ આજના ફાસ્‍ટ અને તણાવયુક્ત લાઇફના યુગમાં આપણને રાહત આપે છે. પરંતુ કમનસીબી એ છે કે, એવા વાંચન માટેનો સમય આપણે કાઢી શકતા નથી. પોતાની જાત માટે, પોતાના વ્‍યક્તિત્‍વના વિકાસ માટે સમય કાઢીને પણ વાંચન-અધ્‍યયન પ્રત્‍યે ધ્‍યાન આપવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.

        મુખ્‍યમંત્રીશ્રીએ આજની યુવા પેઢી સાહિત્‍ય, વાંચન - અધ્‍યયન પ્રત્‍યે વિશેષ રૂપે પ્રેરિત થાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.

        વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાતના માધ્‍યમથી સમગ્ર સમાજને વાંચન માટે મોટીવેટ કરીને જે વાંચનભૂખ જગાડી હતી તે અને સાહિત્‍ય પ્રત્‍યેની રસરૂચિ આવા લિટરેચર ફેસ્‍ટિવલથી જળવાઇ રહી છે તે માટે તેમણે ફેસ્‍ટિવલના આયોજકોને બિરદાવ્‍યા હતા.

        આ ફેસ્‍ટિવલમાં સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા, જય વસાવડા, આર.જે દેવકી, નાટ્ય કલાકાર અદિતિ દેસાઇ, સંકેત શાહ તથા સાહિત્યક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મહાનુભાવો અને સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.